મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખે સામનાના તંત્રીલેખને મુદ્દે ઉદ્ધવ પર પ્રહાર કર્યા

નાગપુર: મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા, શિવસેના (યુબીટી) પાર્ટીના મુખપત્ર સામનામાં છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રીય પ્રધાનોના બંગલાઓ પર કથિત અતિશય ખર્ચ પર સવાલ ઉઠાવ્યા બાદ તેમણે વળતો હુમલો કર્યો હતો. બાવનકુળેએ કહ્યું હતું કે ઠાકરેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે બોલવાના કદનો અભાવ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાની દુકાન પર ચા વેચનાર તરીકે ખૂબ જ નમ્ર પૃષ્ઠભૂમિમાં પોતાનું જીવન શરૂ કર્યું હતું. તેઓ લાંબા સંઘર્ષ દ્વારા વડા પ્રધાન બન્યા હતા. તેની તુલનામાં, ઠાકરે મોદીની નજીક પણ નથી. તેમણે સમજવું જોઈએ કે મોદીજીએ ભારતના 140 કરોડ લોકો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એમ બાવનકુળેએ નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું.
રાજ્યના મહેસૂલ પ્રધાને વધુમાં કહ્યું હતું કે, ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા, ત્યારે બે દિવસ પણ મંત્રાલય કે વિધાનસભાની મુલાકાત લીધી ન હતી.
આપણ વાંચો: બીડ સરપંચ હત્યા: બાવનકુળે ધસને ‘તપાસમાં અવરોધ’ લાવનારી ટિપ્પણીઓથી દૂર રહેવા જણાવશે
બાવનકુળેએ કહ્યું હતું કે, ઉદ્ધવજીએ (આપ નેતા) અરવિંદ કેજરીવાલના સમર્થનમાં મોદીજી વિરુદ્ધ કંઈ પણ બોલતાં પહેલા આત્મનિરીક્ષણ કરવું જોઈએ.
આ તંત્રીલેખ ભાજપ દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાન પર કથિત રીતે અતિશય ખર્ચ કરવા બદલ કરવામાં આવેલી ટીકાના જવાબમાં લખાયો છે. ભાજપે કેજરીવાલના તત્કાલીન ઘરને ‘શીશમહેલ’ ગણાવ્યો હતો.
આના એક દિવસ પહેલા, વડા પ્રધાન મોદીએ આપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને તેને ‘આપદા’ (આપત્તિ) ગણાવી હતી જેણે છેલ્લા 10 વર્ષથી દિલ્હીને ભરડામાં લીધું છે.