મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં મારામારી: 2 સમર્થકો પર પ્રવેશબંધીની ભલામણ

નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભા પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે બનેલી મારામારીની ઘટનામાં વિશેષાધિકાર સમિતિએ આજે ચુકાદો આપ્યો છે.
હરીફ ભાજપ અને એનસીપી (એસપી) ધારાસભ્યોના બે સમર્થકને બે દિવસની ‘સિવિલ કસ્ટડી’ અને વિધાનભવન પરિસરમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.
પેનલે રાજ્ય વિધાનસભાના બાકીના કાર્યકાળ (જે 2029 સુધી છે) માટે મુંબઈ તેમ જ નાગપુર વિધાનભવન પરિસરમાં નીતિન દેશમુખ અને સરજેરાવ ટકલે આ બંનેના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.
સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે વિધાનસભાને જણાવ્યું હતું કે જુલાઈમાં વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન મુંબઈમાં વિધાન ભવન સંકુલની અંદર થયેલ મારામારીના વિડિયો ક્લિપ્સની તપાસ કર્યા પછી ભલામણો કરવામાં આવી હતી. “સમિતિએ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા હકીકતો અને ઘટનાક્રમની ચકાસણી કરી છે,” તેમણે કહ્યું.
ભોંડેકરે નીચલા ગૃહમાં રજૂ કરેલા ઘટના અંગેના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે NCP (SP) ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડના સમર્થક દેશમુખ અને ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરના સમર્થક ટકલે વચ્ચે ચોમાસા સત્ર દરમિયાન વિધાનસભાની લોબીમાં શારીરિક ઝપાઝપી થઇ હતી. દેશમુખ અને ટકલેની ‘સિવિલ કસ્ટડી’નો પ્રકાર હજુ નક્કી નથી.
સમિતિએ વિધાનસભા પરિસરમાં પ્રવેશ મેળવવા માંગતા અરજદારોની ચકાસણી કરવા અને ગંભીર ગુનાઓના આરોપીઓને પ્રવેશ ન આપવા માટે એક ડેટાબેઝ સિસ્ટમ બનાવવાનું પણ સૂચન કર્યું હતું. રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર હાલમાં મહારાષ્ટ્રની બીજી રાજધાની નાગપુરમાં ચાલી રહ્યું છે.



