મુંબઈ-ગોવા હાઇ-વે પર લક્ઝરી બસમાં આગઃ ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી
રાયગઢ: મુંબઈ-ગોવા હાઇ-વે પર એક લક્ઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટા ભાગના પ્રવાસીઓને ઉગારી લેવામાં આવ્યા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ આ બસના બધા પ્રવાસીઓ જ્યારે ગાઢ નિંદ્રામાં હતા તે વખતે ચાલતી બસમાં અચાનકથી આગ લાગી હતી. જોકે બસચાલકને આગ લાગી હોવાની જાણ થતાં તાત્કાલિક દરેક પ્રવાસીઓને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેને લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
મુંબઈ-ગોવા નેશનલ હાઇવે પરથી મંગળવારે રાતે બે વાગ્યાની આસપાસ બસને આગ લાગી હતી. બસ રત્નાગિરીથી મુંબઈ જવા રવાના થઈ હતી, તે દરમિયાન હાઇવે પર મહાડ તાલુકાના રાજેવાડી ફાટક નજીક બસનું ટાયર ગરમ થઈની ફાટી જતાં બસે આગ પકડી હતી. આ વાત ડ્રાઈવરની નજરમાં આવતા તેણે બસને રસ્તાની બાજુમાં રોકી પ્રવાસીઓને બસમાંથી સુરક્ષિતપણે બાહર કાઢ્યા હતા.
આ બસમાં કુલ 22 જેટલા પ્રવાસીઓ હતા. જોકે બસચાલકની સાવધાનીને કારણે 22 પ્રવાસીઓના જીવ બચ્યા હતા. આ ઘટનામાં લક્ઝરી બસ બળીને રાખ થઈ જતાં ટ્રાવેલ કંપનીને મોટું નુકસાન થયું હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.