ચૉકલેટ માટે રૂપિયા માગનારી ચાર વર્ષની દીકરીને દારૂડિયા પિતાએ ગળે ટૂંપો દીધો

લાતુર: દારૂ પીવાના વ્યસની પિતાએ ચૉકલેટ માટે રૂપિયા માગનારી ચાર વર્ષની માસૂમ દીકરીનું ગળું દબાવી તેની કથિત હત્યા કરી હોવાની આંચકાજનક ઘટના લાતુર જિલ્લામાં બની હતી. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી.
પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ બાલાજી રાઠોડ તરીકે થઈ હતી. રાઠોડને દારૂ પીવાનું વ્યસન હતું, જેને કારણે પત્ની સાથે તે વારંવાર ઝઘડા કરતો હતો.
આ પણ વાંચો: દોસ્તો પર ભરોસો કરી શકાય? પાર્ટી માટે બોલાવ્યો અને મોત આપ્યું! 17 વર્ષના કપિલની નિર્મમ હત્યા…
કહેવાય છે કે રાઠોડ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પત્ની તેને છોડીને પિતાને ઘેર રહેવા જતી રહી હતી. રવિવારની બપોરે દીકરી આરુષીએ રાઠોડ પાસે ચૉકલેટ ખરીદવા માટે રૂપિયા માગ્યા હતા. નશામાં ચૂર રાઠોડ રૂપિયા માગનારી દીકરી પર રોષે ભરાયો હતો. ગુસ્સામાં સાડીની મદદથી તેણે દીકરીનું ગળું દબાવી દીધું હતું.
ઘટના બાદ રાઠોડની પત્ની વર્ષાએ પતિને ફાંસીએ ચઢાવી દેવાની માગણી કરી હતી. આરોપી લાતુર જિલ્લાના ઉદગીર તાલુકામાં ભીમા તાંડાનો રહેવાસી છે. તેની વિરુદ્ધ પત્નીએ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(પીટીઆઈ)