મહારાષ્ટ્ર

કોલ્હાપુરમાં દિલધડક લૂંટ: 60 કિલોચાંદી સહિત સવા કરોડની મતા લૂંટાઈ

બસમાં પ્રવાસ કરનારા લૂંટારાઓએ ચાકુની ધાકે ખાનગી બસને બાનમાં લીધી: પછી કારમાં આવેલા સાથી બસની ડિકીથી આંગડિયાની ચાંદી, સોનું લૂંટી ફરાર થયા: રૅકી કરીને લૂંટની યોજનાને અંજામ અપાયાની શક્યતા

મુંબઈ: કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ચાકુની ધાકે બાનમાં લઈ હાઈવે પર દિલધડક લૂંટ ચલાવવામાં આવી હતી. ત્રણ લૂંટારા પ્રવાસી તરીકે બસમાં જ હાજર હતા, જ્યારે તેમના સાથી કારમાં બસની પાછળ આવ્યા હતા. પછી બસની ડિકીમાંથી આંગડિયાની 60 કિલો ચાંદી સહિત સવા કરોડની મતા લૂંટી લૂંટારા ફરાર થઈ ગયા હતા. રૅકી કરીને યોજનાબદ્ધ રીતે લૂંટને અંજામ અપાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

વડગાંવ પોલીસના જણાવ્યા મુજબ લૂંટની ઘટના સોમવારની મધરાતે 12 વાગ્યાની આસપાસ હાઈવે પર કોલ્હાપુર નજીક કિણી ટોલનાકા પાસે બની હતી. માત્ર પાંચથી સાત મિનિટમાં જ લૂંટને અંજામ અપાયો હોઈ લૂંટારાઓની ઓળખ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર કોલ્હાપુરના વેપારીઓના સોના-ચાંદીના દાગીના આંગડિયા દ્વારા મુંબઈમાં લઈ જવામાં આવતા હોવાની માહિતી જાણભેદુએ આપી હતી, જેને આધારે લૂંટની યોજના બનાવાઈ હતી. યોજના મુજબ ત્રણ લૂંટારા પ્રવાસીના સ્વાંગમાં બસમાં જ બેઠા હતા.

મધરાતે કોલ્હાપુરથી મુંબઈ તરફ રવાના થયેલી બસ કિણી ટોલનાકા પાસે પહોંચી ત્યારે એક લૂંટારાએ ડ્રાઈવરને ચાકુની ધાક બતાવી બસ રોકવા કહ્યું હતું. બસ ઊભી રહેતાં જ પાછળથી આવેલી લૂંટારાઓની કાર બસની નજીક આવીને ઊભી રહી હતી. કારમાંથી ઊતરેલા લૂંટારાઓએ બસની ડિકી ખોલાવડાવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ગણતરીની મિનિટમાં જ બસની ડિકીમાંથી 60 કિલો ચાંદી, સોનું અને રોકડ કારમાં ભરવામાં આવ્યા હતા. અંધારાનો લાભ ઉઠાવી લૂંટારા કારમાં ફરાર થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાઈવે પર ફિલ્મી સ્ટાઈલમાં આટલી મોટી લૂંટ થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં લાગી હતી. પોલીસ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે તપાસ કરી રહી છે. લૂંટારાઓની કારને ટ્રેસ કરવાના પ્રયાસ પોલીસે હાથ ધર્યા હતા.

એક અધિકારીના કહેવા મુજબ લૂંટારા બસમાં જ પ્રવાસ કરતા હતા. વળી, નિર્જન પરિસરમાં બસ રોકી નિયોજનબદ્ધ લૂંટ કરવામાં આવી હોવાથી પહેલાં આરોપીઓએ રૅકી કરી હોવાની શક્યતા નકારી શકાતી નથી.

આ પણ વાંચો…સાણંદમાં દારૂ ભરેલી ટ્રક પલટી જતાં લોકો લૂંટ ચલાવીને બોટલો લઈ ગયા…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button