મહારાષ્ટ્ર

કેળવેના રિસોર્ટમાં ચિકનનો ટુકડો અન્નનળીમાં ફસાતાં યુવતીનું મૃત્યુ

પાલઘર: પાલઘર જિલ્લાના કેળવેમાં આવેલા રિસોર્ટમાં બૉયફ્રેન્ડ સાથે ગયેલી યુવતીનું અન્નનળીમાં ચિકનનો ટુકડો ફસાઈ ગયા પછી મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. આ પ્રકરણે વધુ કાર્યવાહી માટે પોલીસ પોસ્ટમોર્ટમના અહેવાલની રાહ જોઈ રહી છે.

કેળવે પોલીસ સ્ટેશનની ઈન્સ્પેક્ટર વિજયા ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઘટના 23 મેના બની હતી. યુવતી તેના બૉયફ્રેન્ડ સાથે રિસોર્ટમાં આવી હતી.

આપણ વાંચો: કોરોનાનો ફરી કહેર: બ્રિટનમાં મૃત્યુઆંક બમણો, JN.1 વેરિઅન્ટ વૈશ્વિક ચિંતા જગાવી…

બપોરે જમતી વખતે અન્નનળીમાં અન્ન ફસાઈ જવાને કારણે તેને તકલીફ થઈ હોવાનું કહેવાય છે. શ્ર્વાસ લેવામાં મુશ્કેલી પડતાં યુવતી એકાએક જમીન પર ફસડાઈ પડી હતી. તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલી યુવતીને તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

ગોસ્વામીએ જણાવ્યું હતું કે યુવતી ચિકન ખાતી હતી ત્યારે ટુકડો તેના અન્નનળીમાં ફસાઈ ગયો હતો. આ પ્રકરણે હાલમાં એડીઆર નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમના અહેવાલની રાહ જોવાઈ રહી છે. પોસ્ટમોર્ટમના અહેવાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. અહેવાલ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button