મહારાષ્ટ્ર

કાપડના વેપારીની આત્મહત્યા: દંપતી સહિત સાત સામે ગુનો

છત્રપતિ સંભાજીનગર: નાણાં ધીરનારના ત્રાસથી કંટાળી કાપડના વેપારીએ કથિત આત્મહત્યા કરી હોવાની બીડ જિલ્લામાં બનેલી ઘટનામાં પોલીસે દંપતી સહિત સાત જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી અને તેની પત્ની તેમ જ અન્ય પાંચ જણ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. વેપારી રામ ફાતલે (42)એ પાંચમી જુલાઈની રાતે બીડના શનિવાર પેઠ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને આપઘાત કર્યો હતો.

આપણ વાંચો: દિશા સાલિયાનની હત્યા નથી જ થઇ પોલીસે હાઇ કોર્ટને જણાવ્યું, આત્મહત્યા વિશે કોઇ શંકા ન હોવાનું સોગંદનામું નોંધાવ્યું

ફાતલેએ સાત વર્ષ અગાઉ 10 ટકા વ્યાજ પર અઢી લાખ રૂપિયાની લોન મુખ્ય આરોપી પાસેથી લીધી હતી. આ રકમ વેપારી અને તેના પિતાએ 2020ના કોવિડ-19ના લૉકડાઉન પહેલાં ચૂકવી દીધી હતી, એવું એફઆઈઆરમાં જણાવાયું હતું.

જોકે આરોપીઓએ દર મહિને પચીસ હજાર રૂપિયાની માગણી સાથે વેપારીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એ સિવાય વેપારીની સાઈન કરેલી ચેક બુક પાછી આપવાનો આરોપીએ ઇનકાર કર્યો હતો. શુક્રવારે તો મુખ્ય આરોપી અને તેની પત્ની વેપારીના ઘરે ગયાં હતાં અને નાણાં માટે ઝઘડો કર્યો હતો.

આરોપીના ત્રાસથી કંટાળીને વેપારીએ શનિવારની રાતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. રવિવારની સવારે પરિવારજનો ઊંઘમાંથી ઊઠ્યા ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. વેપારીની પૅન્ટના ખીસામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં આરોપી અને તેની પત્ની દ્વારા અપાયેલા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button