
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે એવો દાવો કર્યો છે કે એનસીપી (એસપી)માં ટૂંક સમયમાં મોટો ભૂકંપ થવાનો છે અને સિનિયર નેતા તેમ જ મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના અધ્યક્ષ જયંત પાટીલ પાર્ટી છોડીને અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીમાં જોડાઈ જશે. આ બધા વચ્ચે જયંત પાટીલે શરદ પવારની મુલાકાત લીધી હતી.
મેં આ વસ્તુ ભૂતકાળમાં પણ કહી છે. જયંત પાટીલ એનસીપી (એસપી)માં લાંબો સમય રહેવા માટે ઈચ્છુક નથી. શરદ પવારની પાર્ટીમાં ભૂકંપ જોવા મળશે. તમે જોશો કે જયંત પાટીલ અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીમાં જોડાઈ જશે.
આપણ વાંચો: રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળઃ જયંત પાટીલે સરકાર પર તાક્યું નિશાન
અહીં ઉલ્લેખનીય છે કે શિરસાટની પાર્ટી, અજિત પવારની એનસીપી અને ભાજપ રાજ્યની સત્તાધારી મહાયુતિના ઘટકપક્ષો છે. અહીં ઉલ્લેખનીય છે કે જયંત પાટીલે એવું નિવેદન કર્યું હતું કે તેમની બાબતે કશું જ નિશ્ર્ચિત નથી. તેમની આ ટિપ્પણી બાદ એવી અટકળો લાગી રહી છે કે તેઓ એનસીપી (એસપી) છોડી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે, બે દિવસ પહેલાં તેમણે મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત ખેડૂતોના આંદોલન વખતે મંચ પરથી બોલતાં કહ્યું હતું કે મારી ગેરેન્ટી રાખતા નહીં. મારું કશું કહેવાય નહીં. ત્યારબાદ હસન મુશ્રીફે કહ્યું હતું કે જયંત પાટીલ નારાજ છે.
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી એનસીપી (એસપી)ના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ બદલવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી હતી. બીજી તરફ જયંત પાટીલ અજિત પવાર અને ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. શુક્રવારે શરદ પવાર સાથેની મુલાકાત ઘણો લાંબો સમય ચાલી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આપણ વાંચો: વારના ‘પ્રિય’ જયંત પાટીલની બાવનકુળે સાથે મુલાકાત:
અહીં નોંધવું ઘટે કે શરદ પવાર સાથે જયંત પાટીલની બેઠક પહેલાં એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળે તેમને જઈને મળ્યા હતા. આ મુલાકાતની માહિતી આપતાં સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે જયંત પાટીલ સાથે એક કલાક ચર્ચા કરી હતી. રાજ્યમાં નિર્ધારિત મુલાકાતો વિશેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આટલું મોટું સંગઠન, આટલો મોટો પક્ષ હોવા છતાં પણ જો તેમને જયંત પાટીલ જરૂરી લાગતા હોય તો એ મોટું કોમ્પ્લિમેન્ટ છે, એવો ટોણો તેમણે માર્યો હતો. બીજી તરફ કૉંગ્રેસના વિધાનમંડળ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે પાટીલ પ્રદેશાધ્યક્ષ છે, તેઓ કેટલાક સમયથી નારાજ હોવાનું દેખાઈ આવતું હતું.
અમે ફક્ત અટકળો લગાવી શકીએ છીએ કે તેઓ શું કહેવા માગે છે. મને તેમના નિવેદન પાછળનો તર્ક સમજાતો નથી. તેઓ સિનિયર રાજકારણી છે અને આઠ વખત વિધાનસભ્ય બન્યા છે. તેઓ જવાબદાર પદો પર રહી ચૂક્યા છે, એમ વડેટ્ટીવારે કહ્યું હતું.