જરાંગેના સાળાને ગુનાહિત પ્રવૃત્તિ માટે ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો

મુંબઈ: મરાઠા અનામત આંદોલનકર્તાના સાળા અને અન્ય આઠ લોકોને રેતીની દાણચોરી અને ગુનાહિત પ્રવૃત્તિ સામેની કાર્યવાહીના ભાગરૂપે જાલના, બીડ, પરભણી અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી તડીપાર કરી દેવામાં આવ્યા છે, એમ એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
જરાંગેના સાળા વિકાસ ખેડકર અને અન્ય આઠ લોકોને તડીપાર કરવાનો નિર્ણય જાલનાના અંબડ ખાતેના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા લેવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: બીડમાં સરપંચની હત્યા: ધનંજય મુંડે વિરુદ્ધ ‘બદનક્ષીભરી’ ટિપ્પણી કરવા બદલ જરાંગે સામે ગુનો
તડીપાર કરવામાં આવેલા અન્ય લોકોના નામ કેશવ માધવ વૈભટ, સંયોગ મધુકર સોલુંકે, ગજાનન ગણપત સોલુંકે, અમોલ કેશવ પંડિત, ગોરખ બબનરાવ કુરણકર, સંદીપ સુખદેવ લોહકરે, રામદાસ મસુરાવ તૌર અને વામન મસુરાવ તૌર છે, એમ તેમણે કહ્યું હતું.
2019થી આ લોકો સામે જાલના જિલ્લાના અંબડ, ઘનસાવંગી અને ગોન્દી પોલીસ સ્ટેશનમાં રેતીની ચોરી, અંતરવાલી સરાટી આંદોલન વખતે આગજની અને સરકારી કામમાં અવરોધ કરવા સહિતના ગુના નોંધવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
આમાંથી છ આરોપીઓએ જરાંગેના મરાઠા અનામત આંદોલનમાં ભાગ લીધો હતો, એમ પણ તેમણે જણાવ્યું હતું.