મહારાષ્ટ્ર

‘રામલીલા’ આધારિત નાટકમાં રામ ભગવાનનું અપમાન: 6ની ધરપકડ

પુણે: પુણેની યુનિવર્સિટીમાં ‘રામલીલા’ આધારિત નાટક ભજવી રામ ભગવાનનું અપમાન કરનારા એક પ્રોફેસર તેમ જ પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. આ નાટકમાં અશ્લીલ અને અભદ્ર સંવાદો અને દૃશ્યો દર્શાવી ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અપમાનજનક નાટકને પગલે આરએસએસની યુવા પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)એ પુણે યુનિવર્સિટીના લલિત કલા કેન્દ્રમાં ઘૂસીને વિરોધ કર્યો હતો.

સત્તાવાર રીતે સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આટર્સના નામે ઓળખાતા લલિત કલા કેન્દ્રમાં યોજાયેલું આ નાટક ‘રામલીલા’માં પાત્ર ભજવતા પાત્રોના સ્ટેજના પડદા પાછળ થતા વાદ-વિવાદના વિષય પર હતો.

આ નાટક ભજવનારા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર વિરુદ્ધ એબીવીપીના સભ્ય હર્ષવર્ધન હરપુડેએ ભારતીય દંડ સંહિતાની કલમ 295(એ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

દલિત વિદ્યાર્થીએ રામ ભગવાનનો અપમાનજનક ફોટો મૂક્યો, થઇ ધરપકડ

મુંબઈના એક વિદ્યાર્થીએ વ્હોટ્સેપ ઉપર રામ ભગવાનનો વાંધાજનક ફોટો મૂક્યો હતો. આફોટો મૂક્યા બાદ હિંદુઓની લાગણી દુભાવવા બદલ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પછીથી તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો હતો. દેેવનાર ખાતે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફૉર પોપ્યુલેશન સાયન્સના વિદ્યાર્થીએ આ કારસ્તાન કર્યું હતું અને તે મૂળ લાતુરનો હોવાનું જાણવા મળ્યું છે.

ગોવંડી પોલીસે આપેલી માહિતી મુજબ, 23 જાન્યુઆરીના રોજ એક વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી હતી, જે પછીથી એફઆઇઆરમાં ફેરવવામાં આવી હતી. પ્રભુ રામનો વાંધાજનક ફોટો સાથેનું સ્ટેટસ અપલોડ કરીને વિદ્યાર્થીએ હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ ભારતીય દંડ સંહિતાની કલમ 153(એ) હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને બે દિવસ માટે જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારપછી તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button