વિધાનસભ્યોની અપાત્રતાઃ ફડણવીસે આપ્યું મોટું નિવેદન

નાગપુર: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય વિધાન સભ્યો વિરુદ્ધ અપાત્રતા અરજીનો ચુકાદો વિધાનસભાના સ્પીકર દ્વારા બુધવારે જાહેર થવાનો છે એની પૂર્વ સંધ્યાએ એટલે કે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હૈયાધારણ આપી છે કે શિવસેના – ભાજપની સરકારને ઊની આંચ નહીં આવે.
ભાજપના વરિષ્ઠ નેતાએ યુતિ સરકાર કાયદા અનુસાર છે અને સ્પીકરનો ચુકાદો તેમની સાથે ન્યાય કરશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. વિધાનસભાના અધિકારીઓએ સોમવારે આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર મુખ્ય પ્રધાન અને કેટલાક વિધાનસભ્યો વિરુદ્ધ કરવામાં આવેલી અપાત્રતા અરજીઓ અંગે બુધવારે ચુકાદો આપશે.
શિંદે અને અન્ય શિવ સૈનિકોના બળવાને પગલે જૂન 2022માં શિવસેનામાં ફૂટ પડી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાની મુદત 31 ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી જે પાછળથી લંબાવીને 10 જાન્યુઆરી, 2024 કરવામાં આવી હતી. આ ચુકાદો 10 જાન્યુઆરી, બુધવારે સાંજે ચાર વાગ્યે અપેક્ષિત છે.