વિધાનસભ્ય દ્વારા પોલીસને લાફો મારવાનો બનાવ અપમાનજનક છે: સુપ્રિયા સુળે

પુણે: એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ રવિવારે ભાજપના વિધાનસભ્ય દ્વારા ઓન-ડ્યૂટી પોલીસ જવાનને લાફો મારવાના બનાવને અત્યંત અપમાનજનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો વિધાનસભ્ય સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખશે.
બારામતીના સંસદસભ્યે કહ્યું હતું કે મને એવું લાગતું હતું કે ભાજપ પક્ષ લોકોનું સન્માન કરનારો પક્ષ છે. તેઓ આ મુદ્દે તડજોડ કરી રહ્યા છે? તેઓ તેમના સાથીઓ સામેની હિંસાને સહન કરશે?
ભાજપના પુણે કેન્ટોનમેન્ટ મતદારસંઘના વિધાનસભ્ય સુનિલ કાંબળેએ કથિત રીતે શુક્રવારે સાસૂન જનરલ હોસ્પિટલમાં ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલને તમાચો મારી દીધો હતો.
સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે હું ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેના પર કાર્યવાહી કરવાની વિનંતી કરું છું અને જો પગલાં લેવામાં નહીં આવે તો હું તેમને પત્ર લખીશ.