જો મને ટિકિટ ના આપી તો….: ભૂતપૂર્વ પ્રધાનની દીકરીએ આપી દીધી ચેતવણી
મુંબઈ: મહારાષ્ટમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે રાજ્યમાં અત્યારથી મોટા પક્ષોમાં હિલચાલ વધી ગઈ છે ત્યારે ચુંટણી જીતવા કોંગ્રેસ, શિવસેના (એકનાથ શિંદે – ઉદ્વવ ઠાકરે જૂથ), એનસીપી (અજિત પવાર, શરદ પવાર જૂથ) સહિત ભાજપ કમર કસી રહ્યા છે. ટિકિટ ફાળવણી મુદ્દે ભૂતપૂર્વ પ્રધાન ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડેએ તલવાર તાણી દીધી છે અને કહ્યું છે જો મને ટિકિટ નહિ આપી તો જોયા જેવી થશે.
ભાજપનાં નેતા પંકજા મુંડેએ ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે 2024ની વિધાનસભા ચૂંટણીમાં જો તેમને ટિકિટ નહીં આપવામાં આવે તો તે કોઈપણ પક્ષ માટે સારું રહેશે નહીં. આવતા વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યારે તેમને ટિકિટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી પાર્ટી મને ટિકિટ કેમ નહીં આપે?
પંકજાએ કહ્યું હતું કે મારા જેવા ઉમેદવારને ચૂંટણીની ટિકિટ ન આપવી તે કોઈપણ પક્ષ માટે સારું નહીં હોય. જો તેઓ આવો કોઈ નિર્ણય લેશે તો તેમણે લોકોના સવાલોના જવાબ ચોક્કસ આપવા પડશે.
અહીં તમને જણાવી દઈએ કે 2019માં પંકજા મુંડેને તેમના પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડેએ પરલી વિધાનસભા સીટ પરથી હરાવ્યા હતા.
જોકે, પંકજા મુંડેના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને લોકો વિવિધ પ્રકારની અટકળો કરી રહ્યા છે. આ પંકજા હાલમાં બીજેપીથી અલગ ચાલી રહ્યા છે એ બાબત સ્પષ્ટ છે. બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે પંકજા મુંડેને મોટો ઝટકો આપ્યો છે. જીએસટી વિભાગે તેમને 19 કરોડ રૂપિયાની GST નોટિસ આપી છે, તેથી શક્ય છે પંકજાના સુર બદલાયા છે.