પ્રેમી સાથે લગ્ન કરવા પતિનો કાંટો કાઢ્યો: પત્ની સહિત ત્રણની ધરપકડ...
મહારાષ્ટ્ર

પ્રેમી સાથે લગ્ન કરવા પતિનો કાંટો કાઢ્યો: પત્ની સહિત ત્રણની ધરપકડ…

પતિને પ્રેમજાળમાં ફસાવવા યુવતીને નામે બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ખોલ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પ્રેમી સાથે સંસાર માંડવા માટે પત્નીએ પતિનો કાંટો કાઢવાની યોજના બનાવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પતિને પ્રેમજાળમાં ફસાવવા યુવતીને નામે બોગસ એકાઉન્ટ ખોલાવ્યું, પછી જંગલમાં લઈ જતી તેની કરપીણ હત્યા કરવામાં આવી. શબની ઓળખ ન થાય તે માટે કેમિકલ નાખી ચહેરો બાળી નાખવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાતાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

રાયગઢની નાગોઠણે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ દીપાલી નિરગુડે (19), ઉમેશ મહાકાળ (21) અને સુપ્રિયા ચૌધરી (19) તરીકે થઈ હતી. આરોપી દીપાલી મૃતક કૃષ્ણ ખંડવી (23)ની પત્ની હોવાનું પોલીસે જણાવ્યું હતું. નાગોઠણે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સચિન કુલકર્ણીએ જણાવ્યું હતું કે પેણ તાલુકાના ગૌળાવાડી ખાતે રહેતો ખંડવી ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ખંડવી છેલ્લે નાગોઠણે એસટી સ્ટૅન્ડથી બાઈક પર યુવતી સહિત બે જણ સાથે જઈ રહ્યો હોવાનું સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડ્યું હતું. પરિણામે કાવતરું ઘડીને ખંડવીને ગાયબ કરાયો હોવાની શંકાને આધારે તપાસ કરવામાં આવી હતી.

પોલીસે ખંડવીના મોબાઈલ ફોનના કૉલ રેકોર્ડ તપાસી શંકાસ્પદ નંબરો અલગ તારવ્યા હતા. પછી એ શંકાસ્પદ નંબરોના ડેટા પ્રાપ્ત કર્યા હતા. ડેટાને આધારે પોલીસની એક ટીમ નાશિક, જ્યારે બીજી રાયગઢ જિલ્લામાં તપાસ કરી રહી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ખંડવીની પત્ની દીપાલી અને નાશિકના ત્ર્યંબકેશ્ર્વરમાં રહેતા આરોપી ઉમેશ વચ્ચે બે વર્ષથી પ્રેમપ્રકરણ હતું.

ઉમેશ સાથે લગ્ન કરવા માટે દીપાલીએ તેની સાથે મળીને પતિની હત્યાની યોજના બનાવી હતી, જેમાં ત્ર્યંબકેશ્ર્વર ખાતે જ રહેતી કૉલેજ સ્ટુડન્ટ સુપ્રિયા ચૌધરીની મદદ લેવામાં આવી હતી. સુપ્રિયાએ પાયલને નામે ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું. પછી ખંડવીનો સંપર્ક સાધી પ્રેમનું નાટક કર્યું હતું. પ્રેમજાળમાં ફસાયેલા ખંડવીને ચૌધરીએ 10 ઑક્ટોબરે એસટી સ્ટૅન્ડ પાસે મળવા બોલાવ્યો હતો. ત્યાંથી ચૌધરી અને ઉમેશ બાઈક પર ખંડવીને વાસગાંવ સ્થિત જંગલમાં લઈ ગયા હતા.

ઓઢણીથી ગળું દબાવીને માથું પથ્થર પર પટકી તેની હત્યા કરવામાં આવી હતી. ખંડવી મરી ગયો હોવાની ખાતરી કરવા તેના બૂટની રસી કાઢીને ફરી ગળું દબાવવામાં આવ્યું હતું. બાદમાં તેની ઓળખ છતી ન થાય તે માટે ચહેરા હાથ-પગ પર કેમિકલ રેડી શબ બાળી નાખવામાં આવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button