મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હાઈ કોર્ટના સમન્સ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નાગપુર દક્ષિણ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી 2024માં મળેલી જીતને પડકારતી પિટિશન સંબંધે સમન્સ જારી કર્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ્લ વિનોદરાવ ગુડધેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી, જેઓ ચૂંટણી દરમિયાન ફડણવીસ સામે 39,710 મતોના માર્જિનથી હારી ગયા હતા.
અરજીમાં ગુડધેએ એવી માગણી કરી હતી કે હાઈકોર્ટ ફડણવીસની જીતને ‘રદબાતલ અને નિરસ્ત’ જાહેર કરે, જેમાં પ્રક્રિયાગત ભૂલો અને ભ્રષ્ટ પ્રથાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આપણ વાંચો: મુંબઈ જતા ડરી રહ્યો છે કામરા, આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં…
જસ્ટિસ પ્રવિણ પાટીલની બેન્ચે મુખ્ય પ્રધાન ફડણવીસને સમન્સ જારી કર્યા હતા, જેની મુદત આઠમી મે સુધીની છે, એમ ગુડધેના વકીલ પવન દાહતે જણાવ્યું હતું.
ગુડધેની કાનૂની ટીમના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ઘણા ફરજિયાત નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું.
ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને ચૂંટણીમાં સ્પષ્ટપણે વિજય મેળવ્યો હતો, જેમાં ફડણવીસને 288માંથી 230 બેઠકો જીતીને મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો.
હાઈકોર્ટે ભાજપના વિધાનસભ્યો મોહન માટે (નાગપુર પશ્ર્ચિમ) અને કીર્તિકુમાર ભાંગડિયા (ચિમુર, ચંદ્રપુર જિલ્લો)ને પણ આવી જ ચૂંટણી અરજીઓમાં સમન્સ જારી કર્યા છે.