મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: નાંદેડમાં 2200થી વધુ લોકોનું સ્થળાંતર, લાતુરમાં રસ્તા અને પુલ બંધ

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના નાંદેડ અને લાતુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે 2200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવી અધિકારીઓએ માહિતી આપી હતી કે મુખેડ, કંધાર અને નાયગાંવના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ (115 મિલીમીટર) નાંદેડના બિલોલી અને નરસી વિસ્તારોમાં નોંધાયો હતો, જ્યારે લાતુરમાં કેટલેક સ્થળે 65 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
સ્થાનિક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર ‘નાંદેડમાં આજે સવારે ધર્માબાદ, નાયગાંવ અને કંધારના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા બાદ દેગલોરના ગામોમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમો મોકલવામાં આવી હતી. વરસાદને કારણે ગોનાર, જેકપુર, રૂઇ અને કંધરેવાડી ગામ તરફ જતા રસ્તાઓને અસર થઈ છે. સાવચેતીના પગલા તરીકે કેટલાક ગામના 871 ઘરમાં રહેતા 2236 લોકોને નાંદેડ વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, લાતુરમાં મહેસુલ ચુકવતા 60માંથી 29 વિસ્તારોએ વધુ વરસાદનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે ઔસા, નીલાંગા, લાતુર અને ઉદગીર તાલુકામાં ઘણા પુલો પર પાણી ભરાયા છે અને 41 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ નાંદેડ, લાતુર અને ધારશિવ માટે આજે ‘ઓરેન્જ’ એલર્ટ અને શુક્રવારે નાંદેડ માટે ‘યલો’ એલર્ટ જારી કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
(પીટીઆઈ)
આ પણ વાંચો…મુંબઈમાં ગણેશોત્સવમાં વરસાદનું વિધ્ન