સોફ્ટવેર કંપનીની સિસ્ટમ હૅક કરીને ડૅટાનો નાશ કર્યો: ત્રણની ધરપકડ

થાણે: સોફ્ટવેર કંપનીની સિસ્ટમ હૅક કર્યા બાદ ડૅટાનો નાશ કરીને 1.51 કરોડ રૂપિયાનું નુકસાન કરવા પ્રકરણે નયાનગર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
મીરા રોડના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રકાશ ગાયકવાડે જણાવ્યું હતું કે થાણે સ્થિત કંપની દ્વારા ‘મેજિક લોકર’ નામની એપ્લિકેશન વિકસાવવામાં આવી હતી. તેના સર્વરમાં ગેરકાયદે એક્સેસ મેળવીને ડૅટાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ગુનો 2024માં બન્યો હતો. કંપનીની ફરિયાદ અનુસાર હૅકરોએ 3.5 લાખથી વધુ ગ્રાહકોના ડૅટા રિસેટ અથવા ફોર્મેટ કરી દીધા છે.
આપણ વાંચો: મેટાનું AI સોફ્ટવેર હવે લશ્કરી એજન્સી પણ વાપરી શકશે
આ પ્રકરણે રાજ રામપ્રસાદ સિંહે (36) નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે ભારતીય દંડસંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ કર્યા બાદ ગુનામાં સંડોવાયેલા મનોજકુમાર છોટેલાલ મોર્યા અને હિમાંશુ અશોક સિંહને ઉત્તર પ્રદેશના વારાણસીથી, જ્યારે ચંદ્રેશ લાલજી ભારતીયાને વિરારથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ત્રણ લેપટોપ, ત્રણ મોબાઇલ જપ્ત કરાયા હતા. આોપીઓને કોર્ટમાં હાજર કરાતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. (પીટીઆઇ)