ખુશખબરઃ નવી મુંબઈ એરપોર્ટની ભેટ ‘આ’ મહિનામાં મળશે, જાણો નવી અપડેટ
ઓક્ટોબરથી રોજ 150 ફ્લાઈટ ઉડાન ભરશે, મુંબઈનું ટી-વન ટર્મિનલ 2029 સુધી થશે બંધ
મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને મહારાષ્ટ્રના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નવી મુંબઈ એરપોર્ટને શરુ કરવા માટે પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ત્યારે આગામી ચારથી પાંચ મહિનામાં નવી મુંબઈ એરપોર્ટની મહારાષ્ટ્રવાસીઓને ભેટ મળશે.
નવી મુંબઈ એરપોર્ટ શરુ થયા પછી મુંબઈની સાથે મહારાષ્ટ્રના વિવિધ એરપોર્ટના પેસેન્જર ટ્રાફિકના બોજમાં ઘટાડો થશે. ઉપરાંત, ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની કનેક્ટિવિટી વધવાથી નાગરિકો માટે આ એરપોર્ટ આશીર્વાદરુપ બનશે.
17મી એપ્રિલના એરપોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે, જ્યારે શરુઆતમાં ટીવન ટર્મિનલ અને એક રનવેનું કામકાજ શરુ થશે, ત્યારબાદ ધીમે ધીમે અન્ય સુવિધા શરુ કરવામાં આવશે.
આપણ વાંચો: મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે
નવી મુંબઈ એરપોર્ટ મે સુધીમાં શરુ થશે
બહુપ્રતિક્ષિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ મે ૨૦૨૫ના અંતમાં શરુ થવાની અપેક્ષા છે, જે મુસાફરોને ગીચ મુંબઈ એરપોર્ટનો વિકલ્પ આપશે. આધુનિક સુવિધાઓ અને વિસ્તૃત ક્ષમતા સાથે, નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આગામી વર્ષોમાં મુખ્ય એરપોર્ટ તરીકેનો કબજો મેળવવા માટે તૈયાર છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે 70 વર્ષમાં મુંબઈની વસ્તી દસગણી વધી ગઈ છે, પરંતુ એક જ એરપોર્ટ છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરુ થયા પછી મુંબઈ એરપોર્ટના ટીવન અને ટીટૂની અમુક ફ્લાઈટ નવા એરપોર્ટમાં શિફ્ટ થશે.
આપણ વાંચો: GOOD NEWS: નવી મુંબઈ એરપોર્ટ પર સૌપ્રથમ કમર્શિયલ પ્લેનનું પહેલું ઉતરાણ, જાણો ક્યારે થઈ શકે ઉદ્ધાટન?
ખાનગી વિમાનનો ટ્રાફિક નવી મુંબઈ શિફ્ટ થશે
ખાનગી અને ચાર્ટર એરક્રાફ્ટ સહિતની સામાન્ય ફ્લાઇટ્સ નવા નવી મુંબઈ એરપોર્ટ પર જશે. આ વ્યવસ્થાથી વર્તમાન મુંબઈ એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકની ભીડ ઓછી થશે, સાથે સમયસર કામગીરી અને કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં મુંબઈ એરપોર્ટ એમએમઆર માટે મુખ્ય એરપોર્ટ છે, નવનિર્મિત નવી મુંબઈ એરપોર્ટ ૨૦૩૨ સુધીમાં વિસ્તૃત ટર્મિનલ અને વધારાના રનવે સાથે પ્રદેશનું મુખ્ય એરપોર્ટ બની જશે.
નવી મુંબઈ એરપોર્ટનો વિકાસ
નવું એરપોર્ટ ઉલ્વેમાં બનાવામાં આવ્યું હતું. અહીં કમર્શિયલ ફ્લાઈટ મે મહિનાના અંત સુધીમાં શરુ થવાની અપેક્ષા છે, પરંતુ ફ્લાઈટની સંખ્યા ઓક્ટોબર પછી વધારી શકાય છે. ઓક્ટોબરથી માર્ચના વિન્ટર શેડ્યૂલ પ્રમાણે એરલાઈન્સ પોતાનું ટાઈમટેબલ નક્કી કરશે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 20-30 લાખ પેસેન્જર આવવાની અપેક્ષા છે.
નવી મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ-1 ૨૦૨૬ના મધ્ય સુધીમાં દર વર્ષે 20 લાખ પ્રવાસીને હેન્ડલ કરવાની સંપૂર્ણ ક્ષમતા સાથે શરુ થાય તેવી અપેક્ષા છે. આ ઉપરાંત, ટર્મિનલ-2 ૩૦ લાખ પેસેન્જરની ક્ષમતા સાથે એરપોર્ટની ક્ષમતામાં વધારો કરશે, તેનાથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન(એમએમઆર)માં હવાઈ મુસાફરીના ભાવિને નવી ઉંચાઈએ લઈ જશે.
આપણ વાંચો: ….તો નવી મુંબઈ એરપોર્ટ ફક્ત 17 મિનિટમાં પહોંચાશે
મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ-વન ચાર વર્ષ બંધ રહેશે
વિલે પાર્લે સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે 2024માં 5.5 કરોડ પ્રવાસીને સર્વિસ પૂરી પાડી હતી. મે મહિના પછી લગભગ મોટી સંખ્યામાં નવી મુંબઈ એરપોર્ટનો પ્રવાસ કરી શકે છે. મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ વન નવા બાંધકામ માટે ઓક્ટોબર, 2025થી બંધ કરવામાં આવશે, જે 2029માં ખોલવામાં આવશે.
ચાર વર્ષ પછી મુંબઈ એરપોર્ટની ક્ષમતા 1.5 કરોડથી વધીને બે કરોડ પ્રવાસીની થશે. અલબત્ત, ઓક્ટોબરના અંત સુધીમાં મુંબઈના ટી-વનની તમામ ફ્લાઈટને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટીવન ટર્મિનલ પર શિફ્ટ કરવામાં આવશે, જ્યારે બાકી પચાસ લાખ પ્રવાસીને સહારા એરપોર્ટના ટી-ટૂ પર એડજસ્ટ કરાશે.