મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની તીર્થનગરીમાં ‘ગેંગસ્ટર’નું વાજતેગાજતે કરાયું સ્વાગત

‘બોસ ઈઝ બેક’ના નારા, ‘ગોલી માર ભેજે મેં’ પર ડાન્સ, સમર્થકોનો જોવા મળ્યા બેનર્સ
નાશિક:
મહારાષ્ટ્રમાં નાશિકની ઓળખ તીર્થસ્થાન તરીકે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી ગયું છે. હર્ષદ પાટણકરની રેલીએ તો હદ જ વટાવી નાખી હતી. કુખ્યાત ગેંગસ્ટર હર્ષદ પાટણકરનું નાશિકમાં વાજતેગાજતે ‘સામૈયું’ કરવામાં આવ્યું ત્યારે બોસ ઇઝ બેક બેનરો નજરે પડ્યા હતા અને અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ગેંગસ્ટર સાથે તેના સમર્થકોએ ડાન્સ પણ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એમપીડીએ (મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેંજરસ એક્ટિવિટીઝ ઓફ સ્લમલોર્ડ્સ, બુટલેગર્સ, ડ્રગ ઓફેન્ડર્સ એન્ડ ડેંજરસ પર્સન્સ) એક્ટ હેઠળ કારાવાસ ભોગવી રહેલા કુખ્યાત ગેંગસ્ટર હર્ષદ પાટણકરને નાસિક રોડ સેન્ટ્રલ જેલમાંથી છોડી મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ શરણપુર રોડ વિસ્તારમાં ગુંડાના સમર્થકોએ જંગી સરઘસ કાઢ્યું હતું.

આ પ્રસંગે રોડ શો પણ યોજાયો હતો. આ સરઘસમાં તડીપાર થયેલા ગુંડા, ચાલાક ગુનેગારો અને તોફાનીઓ જોડાયા હતા. સરઘસમાં એસયુવી સહિત 10-15 બાઈક જોવા મળી હતી.

આ પણ વાંચો: બિશ્નોઈનો પાકિસ્તાની ગેંગસ્ટરને કોલ, ભાજપની બોલતી બંધ

નાસિકના માર્ગો પર સરઘસ અને રોડ શો દરમિયાન વાહનોના હોર્નના અવાજથી શરણપુર વિસ્તાર હચમચી ગયો હતો. સરઘસમાં સામેલ થયેલા દેખાવકારો ગાળાગાળી કરી રહ્યા હતા. બધા ‘બોસ ઇઝ બેક’ની બૂમો પણ પાડતા હતા. ત્યારબાદ હર્ષદ પાટણકરના સમર્થકોએ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અપલોડ કર્યા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. પોલીસે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. સરઘસ કાઢીને અને ગભરાટ ફેલાવી પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ સરકારવાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો બાદ નાશિકવાસીઓ પૂછી રહ્યા છે કે શું પોલીસનો ભય નથી રહ્યો?

જુલાઇમાં અંકુશ શિંદેએ નાશિકના કમિશનરનો હોદ્દો સંભાળ્યા બાદ હર્ષદ પાટણકર સામે એમપીડીએ હેઠળ કાર્યવાહી થઈ હતી. વિવિધ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. આમાં ગંભીર ઈજા, ચોરી, ઘરફોડી, ગાળાગાળી અને દમદાટી, હત્યાનો પ્રયાસ અને હથિયાર રાખવા જેવા ગુનાનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button