એકસ્ટ્રા અફેર

બિશ્નોઈનો પાકિસ્તાની ગેંગસ્ટરને કોલ, ભાજપની બોલતી બંધ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

બોલીવૂડ એક્ટર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પાછો વરતાયો છે. હમણાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને વીડિયો કોલ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કોલમાં લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને ઈદની મુબારકબાદ આપે છે. ભારતમાં સોમવારે ઈદ અલ ઝુહા એટલે કે બકરી ઈદ હતી એ જોતાં આ વીડિયો સોમવારનો જ છે એ સ્પષ્ટ છે.

આ વીડિયો કોલે ગુજરાતના ગૃહ વિભાગની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે એ કહેવાની જરૂર નથી પણ આઘાતની વાત એ છે કે, સાબરમતી વાયરલ વીડિયો અંગે સાબરમતી જેલ તંત્રે સાવ હાસ્યાસ્પદ દાવો કર્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ દાવો કર્યો છે કે, આ વીડિયો સાબરમતી જેલનો લાગતો નથી. જેલનો નથી લાગતો તેનો મતલબ શું એ સવાલ છે. પોલીસે બીજો હાસ્યાસ્પદ દાવો એ કર્યો છે કે, વર્ષમાં ત્રણ ઇદ આવે છે તેથી આ વીડિયો કઈ ઇદ અને કઈ જેલનો છે એ તપાસનો વિષય છે.

પોલીસના કહેવા પ્રમાણે, ૨૦૨૩ના ઑગસ્ટથી લોરેન્સ અમદાવાદની જેલમાં છે અને તેની પાસેથી કોઈપણ પ્રતિબંધિત વસ્તુ નથી મળી આવી. કેદીઓની સવાર સાંજ બે સમય સ્ક્વોડ દ્વારા જડતી લઈને તપાસ કરવામાં આવે છે. લોરેન્સને અલગથી રાખવા આવ્યો છે અને સતત જેલ ઓથોરિટી અને એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)નો જાપ્તો સતત તેની આસપાસ રહે છે. આ જાપ્તો રાઉન્ડ ધ ક્લોક હોય છે. લોરેન્સને હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. લોરેન્સના બેરેકમાં જેલનું તંત્ર રેગ્યુલર રીતે તપાસ કરે છે અને તેમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. પોલીસે બીજો સાવ હાસ્યાસ્પદ દાવો એવો પણ કર્યો કે, આ વીડિયો આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (અઈં) જનરેટ હોઈ શકે છે.

પોલીસ તંત્રની આ વાત બિલકુલ હાસ્યાસ્પદ છે કેમ કે, શાહઝાદ ભટ્ટી બિશ્નોઈ સાથે તે વાત કરે છે એ આ વખતની ઈદના સંદર્ભમાં છે. વીડિયો કોલમાં ભટ્ટી કહે છે કે, પાકિસ્તાન સિવાય બીજે બધે આજે ઈદ છે જ્યારે પાકિસ્તાનમાં રવિવારે ઈદ ઉજવાઈ ગઈ. ભારતમાં ૧૭ જૂન ને સોમવારે ઈદ ઉજવાઈ હતી જ્યારે પાકિસ્તાનમાં રવિવાર ને ૧૬ જૂને ઈદ ઉજવાઈ હતી. ઈદની ઉજવણી ચાંદ દેખાય તેના આધારે થતી હોય છે એવી સ્પષ્ટતા પણ ભટ્ટી કરે છે એ જોતાં આ વીડિયો આ વખતનો જ છે એ સ્પષ્ટ છે ને છતાં સાબરમતી જેલનું તંત્ર પોતાને ત્યાંથી વીડિયો કોલ નથી થયો એવો દાવો કરે એ શરમજનક કહેવાય.

લોરેન્સ બિશ્નોઈના ભટ્ટીને વીડિયો કોલનો વીડિયો સોશિયલ મીડિયા પર પંજાબના ભૂતપૂર્વ પ્રધાન બિક્રમસિંહ મજીઠિયાએ મૂક્યો હતો. મજીઠિયાએ લખ્યું છે કે. પહેલાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પંજાબી ગાયક સિધ્ધુ મૂસેવાલાની હત્યા કરી હતી. હમણાં બિશ્નોઈએ ગુજરાતની જેલમાં બેઠાં બેઠાં પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને ઈદની શુભેચ્છા આપીને જેલમાં બેઠાં બેઠાં મુક્ત રીતે ગેંગ ચલાવવાની તેની તાકાતનો પરચો આપ્યો છે.

બિશ્નોઈએ પંજાબની જેલમાંથી લાઈવ ટીવી ઈન્ટરવ્યૂ આપ્યો ત્યારે પંજાબના મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન ભગવંત માને તપાસ માટે એસઆઈટી રચી હતી પણ કંઈ
પરિણામ ના મળ્યું. બિશ્નોઈની ગેંગ સતત સલમાન ખાનને ધમકી આપી રહી છે અને સલમાનના ઘરે હુમલા પણ કર્યા છે. ગેંગસ્ટર જેલમાં હોય ત્યારે પણ બેફામ બનીને વર્તી શકે તેના કારણે જાહેર સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થઈ ગયો છે.

મજીઠીયાની વાત સાવ સાચી છે કેમ કે, બિશ્નોઈ સામાન્ય ટપોરી નથી ને બિશ્નોઈએ જેને ફોન કર્યો એ પણ સામાન્ય ગુંડા નથી પણ પાકિસ્તાનનો કુખ્યાત ગેંગસ્ટર અને આર્મ્સ-ડ્રગ્સ ડીલર શાહઝાદ ભટ્ટી છે. આ વીડિયો કોલનો અર્થ એ થાય કે, જેલ ગમે તે હોય, લોરેન્સ બિશ્નોઈને કોઈ ફરક પડતો નથી. બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન પર ગોળીબાર અને એ પહેલાં પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલા સહિત અનેક હત્યાઓમાં સામેલ લોરેન્સ બિશ્નોઈ જેલમાં બેઠાં બેઠાં પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો.

લોરેન્સ બિશ્નોઈ જેલમાં બેઠાં બેઠાં ગેંગ ના ચલાવી શકે એટલે તેને હાઈ સિક્યુરિટીનો દાવો કરતી સાબરમતી જેલમાં ખસેડાયો છે પણ તેનાથી લોરેન્સ બિશ્નોઈને કોઈ ફરક નહીં પડ્યો હોવાનું સ્પષ્ટ છે. લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાંથી પણ ઘરમાં બેઠો હોય એ રીતે પાકિસ્તાન વીડિયો કોલ કરી શકે તેનો અર્થ એ થયો કે, સાબરમતી જેલની સુરક્ષા બહુ ચુસ્ત હોવાની વાતો સાવ પોલંપોલ છે. સાબરમતી જેલમાં પણ બધું મેનેજ કરી શકાય છે.

બિશ્નોઈએ સાબરમતી જેલમાં બેઠાં બેઠાં છેક પાકિસ્તાન વીડિયો કોલ કરીને સાબિત કરી દીધું છે કે, ગુજરાતમાં સરકાર ભલે ગમે તેની હોય સાબરમતી જેલમાં રાજ તો તેનું જ ચાલે છે. બિશ્નોઈ સાબરમતી જેલમાંથી પાકિસ્તાની ગેંગસ્ટર સાથે વાત કરી શકતો હોય તો પોતાના ગેંગના માણસો સાથે પણ વાત કરતો જ હશે. જેલમાં બેઠાં બેઠાં સોપારીઓ પણ આપતો હશે ને ખંડણી પણ ઉઘરાવતો જ હશે એ કહેવાની જરૂર નથી. આ સંજોગોમાં તેને જેલમાં રાખો કે બહાર રાખો કોઈ ફરક પડતો નથી. એ જેલમાં બેઠાં બેઠાં કાયદાને હાસ્યાસ્પદ બનાવી શકે છે તેનો આ પુરાવો છે. આ દેશમાં કાયદાનું શાસન નથી ને બિશ્નોઈ જેવા ગેંગસ્ટર ગમે તે કરી શકે છે તેનાથી વધારે શરમજનક વાત બીજી કોઈ ના હોઈ શકે.

શરમજનક વાત એ પણ કહેવાય કે, ગુજરાત સરકાર પણ આ મુદ્દે સાવ ચૂપ છે ને સાબરમતી જેલના અધિકારીઓ સામે તપાસની પણ તૈયારી નથી બતાવી. ગુજરાત સરકારે નફફ્ટાઈની હદ વટાવી દીધી છે એમ કહીએ તો ચાલે. લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને વીડિયો કોલ કર્યો એ દેશની સુરક્ષા સામે ખતરો કહેવાય કેમ કે ભટ્ટી પાકિસ્તાની આર્મીનું પ્યાદુ છે ત્યારે આ મુદ્દે ચૂપકીદી સાધીને ગુજરાત સરકાર બેઠી છે ને રીએક્શન આપવા પણ તૈયાર નથી.

ભાજપ ચૂંટણીમાં પાકિસ્તાનને ગાળો દેવામાં કોઈ કસર છોડતો નથી. પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે એ સહિતની વાતોનો મારો ચલાવે છે. હવે અત્યારે એક ગેંગસ્ટરનું પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું ત્યારે ભાજપ સરકાર અને ભાજપના નેતાઓની બોલતી બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…