ગઢચિરોલીમાં ₹ 82 લાખનું ઈનામ ધરાવતા 11 નક્સલીનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ

નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા; આ વર્ષે જિલ્લામાં 112 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ
ગઢચિરોલી (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં નક્સલવાદ નાબૂદ કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપનારો બનાવ આજે બન્યો હતો. જિલ્લામાં એકસાથે 11 નક્સલીએ પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આત્મ-સમર્પણ કરનારા નક્સલીમાંથી ચાર ‘યુનિફોર્મ’માં હતા. પોલીસના એક પ્રકાશનમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે તેમના પર કુલ 82 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રકાશનમાં જણાવાયું છે કે, મોટી સંખ્યામાં કાર્યકરો પોકળ માઓવાદી વિચારધારાથી નિરાશ થયા છે, નાગરિકો સામેની હિંસાથી હતાશ થયા છે અને 2005થી મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી શરણાગતિ-પુનર્વસન નીતિ સ્વીકારવા તૈયાર છે.
આ પણ વાંચો : છત્તીસગઢના દંતેવાડામાં 37 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, 27 પર હતા રૂપિયા 65 લાખના ઇનામ
ગઢચિરોલી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના સંયુક્ત પ્રયાસોને કારણે, આ વર્ષે જિલ્લામાં 112 માઓવાદી કાર્યકરોએ આત્મસમર્પણ કર્યું છે. આજે આત્મસમર્પણ કરનારાઓમાં વિભાગીય સમિતિના સભ્યો ગઢચિરોલીના રમેશ લેખામી (57), છત્તીસગઢના રહેવાસીઓ ભીમા કોવાસી (35), પ્લેટફોર્મ પાર્ટી સમિતિના સભ્યો પોરિયે ગોટા (41), રતન ઓયમ (32) અને કમલ વેલાડી (30), નો સમાવેશ થાય છે, એમ તેમાં જણાવાયું છે.
અન્ય આત્મસમર્પણ કરનારાઓમાં વિસ્તાર સમિતિના સભ્યો પોરીયે વેલાડી (36), રામાજી પુંગાટી (35), અને પ્લાટૂન સભ્યો સોનુ કાટો (19), પ્રકાશ પુંગાટી (22), સીતા પલો (22) અને સાઈનાથ માડે (23)નો સમાવેશ થાય છે.
જો માઓવાદીઓનું કોઈ જૂથ આત્મસમર્પણ કરે છે, તો તેમના પુનર્વસન માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સામૂહિક સહાય તરીકે કુલ 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો : છત્તીસગઢના સુકમામાં પંદર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, પાંચ મહિલા પણ સામેલ
ગઢચિરોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ માઓવાદી વિરોધી કાર્યવાહી અને સરકાર દ્વારા માઓવાદીઓને શરણાગતિ સ્વીકારવા અને સન્માનજનક જીવન જીવવા માટે પૂરી પાડવામાં આવેલી તકને કારણે, 2022 થી જિલ્લામાં 146 નક્સલીઓએ તેમના શસ્ત્રો મૂક્યા છે, જેમાં આ વર્ષે 112નો સમાવેશ થાય છે, એમ પ્રકાશનમાં જણાવાયું છે.



