ગઢચિરોલી હાઈવે પર બેકાબૂ ટ્રકે છ સગીરને કચડ્યા: ચારનાં મોત
ગંભીર રીતે ઘવાયેલા બે સગીરને સારવાર માટે ઍરલિફ્ટ કરી નાગપુરની હૉસ્પિટલ લઈ જવાયા

ગઢચિરોલી: ગઢચિરોલીમાં હાઈવે પર બનેલી કરુણ ઘટનામાં મોર્નિંગ વૉક માટે નીકળેલા છ સગીરને પૂરપાટ વેગે આવેલી ટ્રકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં ચાર સગીરે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે સગીરને વધુ સારવાર માટે ઍરલિફ્ટ કરી નાગપુરની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના અરમોરી-ગઢચિરોલી હાઈવે પર મંગળવારની સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોની ઓળખ ટિનુ નામદેવ ભોઈર (14), તન્મય બાલાજી માનકર (16), દુશાન દુર્યોધન મેશ્રામ (14) અને તુષાર રાજેન્દ્ર મરભાટે (14) તરીકે થઈ હતી.
આપણ વાંચો: લંડન જતા સોલાપુરના વૃદ્ધ દંપતીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કરુણ મોત
એક અહેવાલ અનુસાર ગઢચિરોલીના કાતલી ગામમાં રહેતા છ છોકરા મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. છોકરાઓ એક બ્રિજ નજીક ઊભા હતા ત્યારે બેકાબૂ ટ્રક તેમના પર ધસી ગઈ હતી. ટ્રકે કચડતાં બે સગીરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
જખમીઓને ગઢચિરોલી જિલ્લા સામાન્ય હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ બે સગીરનાં નિધન થયાં હતાં. અકસ્માતમાં જખમી બે સગીર ક્ષિતિજ મેશ્રામ (16) અને આદિત્ય ખોપરે (16)ની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે હેલિકૉપ્ટરમાં નાગપુરની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
આપણ વાંચો: સૌરાષ્ટ્રમાં જળદુર્ઘટના: 3 ઘટનામાં 4 બાળકનાં કરુણ મોત…
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે મૃતકોના પરિવાર માટે હું શોક વ્યક્ત કરું છું. જખમીઓને નાગપુર લઈ જવા માટે ચોપરની વ્યવસ્થા કરવામાં આવી છે.
મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાય કરાઈ હતી, જ્યારે જખમીઓની સારવારનો પૂરો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.