મહારાષ્ટ્ર

નાશિકમાં ઓવરટેકના પ્રયાસમાં એસટી બસ ટ્રક સાથે ટકરાતાં ચારનાં મોત: 34 જખમી

નાશિક: મુંબઈ-આગ્રા નૅશનલ હાઈવે પર નાશિક પાસે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી) ની બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર પ્રવાસીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 34 જણ જખમી થયા હતા. ઓવરટેકના પ્રયાસમાં એસટીની બસ ટ્રક સાથે ટકરાઈ હતી, જેમાં બસના ડાબી તરફના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ચાંદવડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કૈલાસ વાઘે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની સવારે 9.45 વાગ્યાની આસપાસ ચાંદવડ શહેરના આહેર વસતિ નજીક રાઉડ ઘાટમાં બની હતી. અકસ્માતમાં જખમીઓને પહેલાં ચાંદવડની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

આપણ વાંચો: અમરાવતીમાં 30 ફૂટ ઊંડી ખાઈમાં એસટી બસ ખાબકી, ત્રણનાં મોત, 36 ઘવાયા

પછી વધુ સારવાર માટે તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ બસ જળગાંવ જિલ્લાના ભુસાવળથી નાશિક શહેર જઈ રહી હતી. પૂરપાટ દોડતી બસના ડ્રાઈવરે આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. બસની ડાબી બાજુ ટ્રક સાથે ભટકાતાં બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માત સમયે બસમાં 45 પ્રવાસી હતા. ઘટનામાં 14 વર્ષના કિશોર અને મહિલા સહિત ચાર જણે જીવ ગુમાવ્યા હતા. જખમી 34માંથી 10 જણને ગંભીર ઇજા થઈ હોવાથી તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઓવરટેક સમયે બસનું ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રથમદર્શી જણાઈ રહ્યું છે. દરમિયાન અકસ્માતને પગલે મુંબઈ-આગ્રા નૅશનલ હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાને કિનારે ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button