વિદેશી નાગરિકોએ પુણેવાસીઓને ટ્રાફિકના પાઠ ભણાવ્યાઃ જુઓ વાયરલ વીડિયો…

પુણેઃ ભારતીયો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં એક નંબર હોય છે. પુણેકરો પણ એમાં બાકાત નથી. પુણે મહાનગરમાં કથળતી ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક શિસ્તનો અભાવ ફરી ચર્ચામાં છે. એક વિદેશી નાગરિકે રસ્તે જતા વાહનચાલકોને ટ્રાફિક નિયમો શીખવ્યા હતા. એટલું જ નહીં, લોકો પણ વિદેશીને જોઈને ચોંકી ઊઠ્યા હતા.
પિંપરી-ચિંચવડના સાંગવી વિસ્તારમાં આવેલા રક્ષકચોકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક વિદેશી નાગરિકો ટ્રાફિકને નિયંત્રિત કરતા જોવા મળે છે.
પુણેના રક્ષક ચોક પર ઘણીવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ટ્રાફિક જામથી બચવા માટે, ઘણા ટુ-વ્હીલર ચાલકો ફૂટપાથનો દુરુપયોગ કરે છે, જેના કારણે રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે. દરમિયાન, ત્યાં હાજર કેટલાક વિદેશી નાગરિકોએ ફૂટપાથ પરથી બાઇક અને સ્કૂટર સતત પસાર થઈ રહ્યા હોવાનું જોતા,તેઓએ તેનો વિરોધ કર્યો.
વીડિયોમાં જોઈ શકાય છે કે વિદેશી નાગરિકો ફૂટપાથ પર આવતા ટુ-વ્હીલર્સને રોકે છે અને ઈશારા દ્વારા સમજાવે છે કે આ રસ્તો રાહદારીઓ માટે છે વાહનો માટે નથી. તેમણે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને રસ્તાનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. વિદેશી મુલાકાતીઓને શહેરમાં નિયમો લાગુ કરવા માટે આગળ આવવું પડે છે,ત્યારે ઘણા લોકો સ્થાનિક વહીવટ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.



