પુણેમાં મહિલા આઇટી પ્રોફેશનલની ગોળી મારીને હત્યા: પ્રેમી મુંબઈથી પકડાયો
પુણે: પુણેની લોજમાં 26 વર્ષની મહિલા આઇટી પ્રોફેશનલની તેના જ પ્રેમીએે ગોળી મારીને હત્યા કરી હોવાની ઘટના બની હતી. હિંજવાડી પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને ફરાર મિત્રને મુંબઈથી ઝડપી પાડ્યો હતો.
પિંપરી-ચિંચવડના હિંજવાડી વિસ્તારમાં આવેલી લોજમાં શનિવારે આ ઘટના બની હતી અને તેની જાણ પોલીસને રવિવારે સવારના થઇ હતી. મહિલાની હત્યા પાછળનો હેતુ જાણી શકાયો નહોતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આરોપીની ઓળખ રિષભ નિગમ તરીકે થઇ હોઇ તેને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર મૃતક અને આરોપી ઉત્તર પ્રદેશના વતની હોઇ તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો. મૃતક હિંજવાડીમાં આઇટી કંપનીમાં કામ કરતી હતી.
આરોપી ઉત્તર પ્રદેશથી પુણે આવ્યો હતો અને હિંજવાડીની લોજમાં રોકાયો હતો. ત્યાંથી આરોપીએ મહિલાને કૉલ કર્યો હતો. શનિવારે રાતે તેણે લોજમાં મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
ડેપ્યુટી પોલીસ કમિશનર બાપુ બાંગરે જણાવ્યું હતું કે ઘટનાની જાણ પોલીસને રવિવારે સવારના થઇ હતી.
પોલીસે આરોપીને મુંબઈથી તાબામાં લીધો હતો અને તેને પુણે લાવવામાં આવ્યો હતો. હિંજવાડી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)