પિતા-પુત્રએ હત્યા પછી પડોશીનું માથું વાઢી નાખ્યું: માથું લઈ બન્ને પોલીસ ચોકી પહોંચ્યા
ઘટનાને પગલે ગામમાં તણાવ: આરોપીના ઘરની તોડફોડ અને કાર બાળી: એસઆરપીએફ ગોઠવી દેવાઈ
નાશિક: નાશિક જિલ્લામાં બનેલી કમકમાટીભરી ઘટનામાં પિતા-પુત્રએ પડોશીની હત્યા પછી તેનું માથું વાઢી નાખ્યું હતું. કાપેલું માથું અને શસ્ત્ર સાથે પિતા-પુત્ર નજીકની પોલીસ ચોકીમાં બની હતી. આવી ઘૃણાસ્પદ ઘટનાથી રોષે ભરાયેલા ગામવાસીઓએ આરોપીના ઘરની તોડફોડ કરી કાર સળગાવી નાખી હતી. પરિસ્થિતિને કાબૂમાં રાખવા પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપીએફ ગોઠવી દેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની સવારે દિંડોરી તાલુકાના નનાશી ગામમાં બની હતી. આ પ્રકરણે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી, જ્યારે પુત્રની ઉંમરની ખાતરી કરવામાં આવી રહી હોવાથી તેને તાબામાં લેવાયો હતો.
આરોપી સુરેશ બોકે (40) અને તેના પુત્રએ કુહાડી અને દાતરડાથી પડોશી ગુલાબ રામચંદ્ર વાઘમારે (35)ની હત્યા કરી હતી. હત્યા બાદ વાઘમારેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. પછી કુહાડી અને દાતરડા સાથે વાઘમારેનું માથું લઈ પિતા-પુત્ર નનાશી આઉટપોસ્ટ પોલીસ ચોકી પહોંચ્યા હતા, જ્યાં પોલીસ સમક્ષ તેમણે સમર્પણ કર્યું હતું.
પ્રથમદર્શી પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી અને વાઘમારે અડોશપડોશમાં રહે છે. છેલ્લા લાંબા સમયથી બન્ને પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. 31 ડિસેમ્બરે પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને બન્ને પરિવારે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બોકેને શંકા હતી કે તેની પુત્રીને ગાયબ થવામાં વાઘમારેએ મદદ કરી હતી, જેને પગલે તેની હત્યા કરવામાં આવી હતી.
ઘટનાને પગલે ગામવાસીઓનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ આરોપીના ઘરમાં તોડફોડ કરી હતી અને તેની કારને આગ ચાંપી હતી. ધીરે ધીરે આખા ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ થઈ ગયું હતું.
આપણ વાંચો: સરપંચ હત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી…
ગામમાં ચાંપતા બંદોબસ્ત માટે સ્થાનિક પોલીસ અને આસપાસનાં પોલીસ સ્ટેશનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. એ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા હતા. કડક સુરક્ષાવ્યવસ્થા પછી ગામમાં શાંતિનું વાતાવરણ હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
આ પ્રકરણે મૃતકની પત્ની મીનાબાઈ (34)ની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષાનાં કારણોસર આરોપીને દિંડોરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. (પીટીઆઈ)