‘શરદ પવારને સમજવા માટે 100 જન્મ લેવા પડશે’: હવે આવું કોણ બોલ્યું?

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ તેમ જ ઉદ્ધવ ઠાકરેના ખૂબ જ વિશ્વાસુ મનાતા સંજય રાઉતે એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર) સુપ્રીમો શરદ પવારની પ્રશંસા કરી હતી અને સાથે જ નાયબ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસ સામે નિશાન સાધ્યું હતું.
સંજય રાઉતે ફડણવીસની ટીકા કરતા જણાવ્યું હતું કે શરદ પવારના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે દેવેન્દ્ર ફડણવીસે 100 જન્મ લેવા પડશે. હાલમાં જ દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું હતું કે શરદ પવારે મુખ્ય પ્રધાન પદ માટે ત્રણથી ચાર નામો પસંદ કર્યા છે અને તેમાં ક્યાંય ઉદ્ધવ ઠાકરેના નામનો સમાવેશ થતો નથી.
આ મામલે પત્રકારો સાથે વાત કરતા રાઉતે જણાવ્યું હતું કે 2019માં શું ફડણવીસ જાણતા હતા કે શરદ પવાર શું વિચારી રહ્યા છે?જો તો 100 વખત ફરી જન્મ લેશે તો પણ જાણી નહીં શકે કે શરદ પવારના મગજમાં શું ચાલી રહ્યું છે. જો સત્તામાં રહેલા લોકોમાં થોડું પણ સાહસ હોય તો તેમણે ચૂંટણી માટે તૈયાર રહેવું જોઇએ.
આ ઉપરાંત સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર રાજકીય પક્ષમાં ભંગાણ પાડવાનો આરોપ પણ મૂક્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય પક્ષો અને કુટુંબોમાં પણ ભંગાણ પડાવતા હોવાનું રાઉતે જણાવ્યું હતું.