ફડણવીસે 109 ઓએસડી-પીએસને મંજૂરી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી માહિતી આપી હતી કે તેમણે કેબિનેટના સાથી પ્રધાનો દ્વારા આપવામાં આવેલા ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) અને પીએસ (અંગત સચિવ) માટેના 125 નામની ભલામણમાંથી 109 નામને માન્યતા આપી છે. બાકીના લોકોના નામને મંજૂરી નથી આપવામાં આવી કેમ કે તેમની સામે તપાસ ચાલી રહી છે અને તેઓ ‘ફિક્સર’ તરીકે જાણીતા છે.
‘મને અધિકારીઓના 125 નામ મળ્યા હતા, જેને મારા કેબિનેટના સાથીઓ તેમના અંગત સચિવ તરીકે અથવા તો વિશેષ અધિકારી તરીકે નિયુક્ત કરવા માગતા હતા અને તેમાંથી મેં 109 નામને મંજૂરી આપી દીધી છે,’ એમ ફડણવીસે કહ્યું હતું.
બાકીના 16 અધિકારીઓના નામને મંજૂરી ન આપવા પાછળનું કારણ એવું છે કે આ અધિકારીઓ સામે કોઈ પ્રકારની તપાસ ચાલી રહી છે અથવા તો વહીવટી વર્તુળોમાં તેમને ‘ફિક્સર’ તરીકે ઓળખવામાં આવે છે, એમ પણ ફડણવીસે કહ્યું હતું.
એનસીપીના નેતા અને રાજ્યના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે દ્વારા એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે પીએસ અને ઓએસડીની નિયુક્તિ પણ મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવે છે, અમારા હાથમાં કશું જ રહેવા દેવામાં આવ્યું નથી.
આ ટિપ્પણીને ફડણવીસે અવગણી હતી. ફડણવીસે આ ટિપ્પણી અંગે કહ્યું હતું કે કદાચ કોકાટેને ખબર નથી કે પીએસ અને ઓએસડીની નિયુક્તિનો અધિકાર મુખ્ય પ્રધાનનો હોય છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી
પ્રધાનો ફક્ત નામનું સૂચન કરી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય મારી કચેરીનો હોય છે, એમ તેમણે કહ્યું હતું.
ફડણવીસે ચિંતા વ્યક્ત કરી હતી કે મુંબઈની આસપાસ મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે, જેમાં કોર્ટને હસ્તક્ષેપ કરવાની જરૂર પડી છે.
કેટલાક બિલ્ડરો મેલી રમત કરી રહ્યા છે. પહેલાં ગેરકાયદે બાંધકામ કરીને પછી વ્યક્તિઓને સાધીને કોર્ટમાં ગેરકાયદે બાંધકામ સામે કોર્ટમાં અરજીઓ કરાવે છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ બાબત મારા ધ્યાનમાં લાવી આપી હતી. અમે આવી પ્રવૃત્તિઓને રોકવા માટે કોર્ટમાં રજૂઆત કરીશું.