ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેએ અનિલ દેશમુખ સામેના લાંચના આરોપોનો પુનરોચ્ચાર કર્યોે, ફડણવીસે તપાસની ખાતરી આપી

નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા અનિલ દેશમુખે શનિવારે એવો દાવો કર્યો હતો કે મુંબઈના બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે દ્વારા કરાયેલો લાંચનો તેમની સામેનો તાજો આરોપ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું ‘નવું પગલું’ હતું. જ્યારે બીજી તરફ વાઝેના દાવા પર ગૃહ વિભાગના વડા ફડણવીસે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. આ બધાને કારણે આખો મુદ્દો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે.
એન્ટીલિયા નીચે બોમ્બ મૂકવાનું પ્રકરણ અને થાણેના વેપારી મનસુખ હિરન હત્યા કેસમાં આરોપી વાઝે હાલમાં નવી મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાં બંધ છે.
મીડિયાના અહેવાલો મુજબ વાઝેએ દેશમુખ સામેના લાંચના આરોપોનો પુનરોચ્ચાર કર્યો છે.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહે આરોપ લગાવ્યો હતો કે દેશમુખે તેમના ગૃહ પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પોલીસ અધિકારીઓને શહેરના બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું. આરોપોને પગલે દેશમુખે 2021માં ગૃહમંત્રી પદ છોડી દીધું હતું.
વાઝેએ અગાઉ તપાસ પંચને જણાવ્યું હતું કે તેણે દેશમુખના સહયોગીઓને સૂચનાને પગલે પૈસા ચૂકવ્યા હતા.
દેશમુખે કહ્યું હતું કે, ‘સચિન વાઝે જે બોલ્યા તે દેવેન્દ્ર ફડણવીસનું નવું પગલું છે, કારણ કે થોડા દિવસો પહેલા મેં ફડણવીસ પર આક્ષેપો કર્યા હતા કે કેવી રીતે તેમણે ત્રણ વર્ષ પહેલાં મને ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેને ફસાવવાની યોજના ઘડી કાઢી હતી.
આ પણ વાંચો : યાદગાર રિટાયરમેન્ટઃ નિવૃત્તિના એક દિવસ પહેલા સિનિયર કેપ્ટન ગોસાવીને ઉડ્ડયન કરાવ્યું
ફડણવીસને કદાચ ખબર નહીં હોય કે બોમ્બે હાઈકોર્ટે સચિન વાઝેની ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશે વાત કરી હતી. હત્યાના બે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે એવી વ્યક્તિ નથી કે જેના પર વિશ્વાસ કરી શકાય, એમ તેમણે કહ્યું હતું.
દેશમુખે ફડણવીસ પર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિનો ઉપયોગ કરીને તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.
દેશમુખે તાજેતરમાં દાવો કર્યો હતો કે વિપક્ષના નેતા તરીકે ફડણવીસે તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે અને અગાઉની મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વિરુદ્ધ એફિડેવિટ પર હસ્તાક્ષર કરવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફડણવીસે આરોપોને નકારી કાઢ્યા હતા અને દેશમુખની ઘણી ઑડિયો-વિઝ્યુઅલ ક્લિપ્સ રિલીઝ કરવાની ધમકી આપી હતી, જેમણે વળતો પ્રહાર કરતાં ભાજપના વરિષ્ઠ નેતા સામે ગંભીર આરોપો ધરાવતી પેન ડ્રાઇવ જાહેર કરવાની ધમકી ઉચ્ચારી હતી.
મને તેના વિશે (વાઝેના દાવા) વિશે મીડિયામાંથી જાણવા મળ્યું છે. મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સચિન વાઝેએ મને એક પત્ર મોકલ્યો હતો. હું છેલ્લા બે દિવસથી નાગપુરમાં હોવાથી હજુ સુધી મેં તે પત્ર જોયો નથી. હું શોધીશ કે આવી કોઈ પત્ર મળ્યો છે કે નહીં અને અમે ચોક્કસપણે સામેે આવી રહેલી નવી વિગતો (જાહેરાતો) અંગે યોગ્ય તપાસ કરીશું, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું..