નાગપુરમાં પુત્ર પર ગોળીબાર કરવા પ્રકરણે સીઆરપીએફના ભૂતપૂર્વ જવાનની ધરપકડ
નાગપુર: પૌત્રને ફટકારનારા પુત્ર પર રોષે ભરાયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ભૂતપૂર્વ જવાને ગોળીબાર કર્યો હોવાની ઘટના નાગપુરમાં બની હતી. આ ઘટનામાં પુત્રના પગમાં ગોળી વાગતાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.
અજની પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે ચિંતામણિ નગર પરિસરમાં બની હતી. બૅન્કની કૅશ વૅન પર સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સીઆરપીએફના 68 વર્ષના ભૂતપૂર્વ જવાને 40 વર્ષના પુત્ર અને પુત્રવધૂને ઠપકો આપ્યો હતો. પુત્ર-પુત્રવધૂએ મસ્તી કરનારા ચાર વર્ષના પુત્રને ફટકારતાં આરોપી રોષે ભરાયો હતો.
આ પણ વાંચો: PoK જેલમાંથી 19 કેદીઓ ભાગી ગયા, પોલીસ ગોળીબારમાં 1નું થયું મોત
કહેવાય છે કે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આરોપીએ તેના લાઈસન્સવાળી રાઈફલથી પુત્ર પર ગોળીબાર કર્યો હતો. ગોળી પુત્રના પગમાં વાગી હતી. તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર બાદ તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન ગોળીબારનો અવાજ સાંભળી પડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ ઍક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે પૌત્રને ફટકારવાને કારણે તે રોષે ભરાયો હતો. (પીટીઆઈ)