અમરાવતીમાં કાળા જાદુની શંકા પરથી વૃદ્ધાની કરાઇ મારપીટ: પેશાબ પીવા માટે મજબૂર કરી
લોખંડના ગરમ સળિયાથી હાથ-પગ પર ડામ પણ આપ્યા
અમરાવતી: અમરાવતી જિલ્લાના ગામમાં બનેલી જઘન્ય ઘટનામાં કાળા જાદુની શંકા પરથી 77 વર્ષની વૃદ્ધાની મારપીટ કર્યા બાદ તેને પેશાબ પીવા માટે મજબૂર કરવામાં આવી હતી. આટલું ઓછું હોય એમ લોખંડના ગરમ સળિયાથી વૃદ્ધાના હાથ-પગ પર ડામ પણ આપવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
30 ડિસેમ્બરે આ ઘટના બની હતી, પણ જાન્યુઆરીની શરૂઆતમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવાઇ હતી. વૃદ્ધાના પુત્ર-પુત્રવધૂએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો શુક્રવારે સંપર્ક સાધ્યો હતો અને કાર્યવાહીની માગણી કરી હતી.
આપણ વાંચો: હેં… ખરેખર?!: આસામનું માયોંગ ગામ છે ભારતની કાળા જાદુની રાજધાની
પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધા અમરાવતી જિલ્લાના ચિખલદારા તાલુકાના રેત્યખેડા ગામની રહેવાસી છે. ડિસ્ટ્રિકેટ કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આપેલા પત્રમાં ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે વૃદ્ધા 30 ડિસેમ્બરે ઘરમાં એકલી હતી ત્યારે પડોશીઓએ તેને પકડી હતી અને કાળો જાદુ કરતી હોવાનો તેના પર આરોપ લગાવ્યો હતો.
ગામવાસીઓએ વૃદ્ધાને લાફા માર્યા બાદ લાઠીથી માર માર્યો હતો. લોખંડના ગરમ સળિયાથી તેના હાથ-પગ પર ડામ પણ આપવામાં આવ્યા હતા.
ફરિયાદ અનુસાર વૃદ્ધાને પેશાબ પીવા અને શ્ર્વાનનું મળમૂત્ર ખાવા મજબૂર કરવામાં આવી હતી. બાદમાં ગળામાં ચંપલનો હાથ પહેરાવીને તેની પરેડ કાઢવામાં આવી હતી.
આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: શિયાળાનું જાદુઈ પીણું-કાંજી સ્વાસ્થ્યને ટકાટક બનાવવામાં લાભકારી…
વૃદ્ધાનો પુત્ર અને પુત્રવધૂ કામ અર્થે બહાર ગયાં હતાં અને તેમને 5 જાન્યુઆરીએ ઘટનાની જાણ થઇ હતી, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
અમરાવતીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વિશાલ આનંદે કહ્યું હતું કે ઘટના ગંભીર છે અને ફરિયાદીએ શુક્રવારે મારી સાથે વાત કરી હતી.
ગામ જંગલના આંતરિક ભાગમાં આવેલું છે અને ઘટનાની તપાસ કરવા માટે પોલીસ અધિકારીને ત્યાં મોકલવામાં આવ્યો હતો. આ પ્રકરણે કાર્યવાહી કરવામાં આવશે. (પીટીઆઇ)