મહારાષ્ટ્ર

પાયલોટની ખુરશી બદલાઈ ગઈ છે, એકનાથ શિંદેએ ફરી એકવાર મુખ્ય પ્રધાનપદ પર ટિપ્પણી કરી

અમરાવતી: ‘પહેલાની સરકારમાં હું મુખ્ય પ્રધાન હતો, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન હતા. હવે ફડણવીસ મુખ્ય પ્રધાન છે, જ્યારે હું અને અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન છીએ. અમારી વચ્ચે ફક્ત ખુરશીઓ જ બદલાઈ છે,’ એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વધુ એક વખત આ નિવેદન આપ્યું છે.

અજિત પવાર વારંવાર શિંદે પર કટાક્ષ કરતા જોવા મળે છે કે, ‘મુખ્ય પ્રધાન પદ એકનાથ શિંદેના મગજમાંથી જતું નથી.’ તેવી જ રીતે, બુધવારે શિંદેએ ફરી એકવાર જણાવ્યું છે કે ફક્ત ખુરશીઓ બદલવામાં આવી છે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર કેબિનેટમાં સાત મહત્ત્વના નિર્ણય: એકનાથ શિંદેને ઝૂકતું માપ…

અમરાવતી એરપોર્ટના ઉદ્ઘાટન માટે આયોજિત એક કાર્યક્રમમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘અમારી પાછલી સરકાર દરમિયાન, ઘણા પ્રોજેક્ટ્સ અને યોજનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ અમે (મહાયુતિ) સત્તામાં આવ્યા અને રાજ્યના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ શરૂ થઈ. હું તે વિમાનનો પાઇલટ હતો.

તે સમયે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મારા કો-પાઇલટ હતા. હવે દેવેન્દ્ર ફડણવીસ અમારા પાઇલટ છે. હું અને અજિત પવાર કો-પાઇલટ છીએ. ફક્ત અમારી ખુરશીઓ બદલાઈ છે. જોકે, વિકાસનું વિમાન એ જ છે, એન્જિન એ જ છે. હવે તે વધુ ઝડપી ગતિએ દોડતું જોવા મળે છે.’

આપણ વાંચો: આંબેડકરના દર્શન ભાષણ કરતાં વધુ મહત્ત્વનું: એકનાથ શિંદે

અમે પાછલી સરકારના સ્પીડ બ્રેકર્સ દૂર કર્યા: શિંદે
આ દરમિયાન, એકનાથ શિંદેએ પાછલી મહા વિકાસ આઘાડી સરકારની પણ ટીકા કરી. તેમણે કહ્યું હતું કે, ‘અમારા પહેલા જે લોકો સત્તામાં હતા તેઓ ફક્ત સમસ્યાઓનો ઢગલો કરતા હતા. તેમના સમયમાં ઘણા પ્રોજેક્ટ્સ અટકી ગયા હતા.

તેમણે દરેક જગ્યાએ સ્પીડ બ્રેકર લગાવ્યા હતા. જોકે, જ્યારે અમે સત્તામાં આવ્યા, ત્યારે અમે બધા સ્પીડ બ્રેકર્સ દૂર કર્યા. હવે આપણે બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધવાનું છે. રાજ્યમાં હવે ઘણા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. અમરાવતી એરપોર્ટનો વિકાસ થઈ રહ્યો છે. આ એરપોર્ટ નાગરિકો અને ખેડૂતોને ઘણો ફાયદો કરશે.’

એકનાથ શિંદેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ એરપોર્ટ અમરાવતીના લોકો માટે ગેમ ચેન્જર સાબિત થશે.
‘જે વિસ્તારોમાં સારી પરિવહન વ્યવસ્થા છે, જ્યાં રેલવે અને હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે ત્યાં વિકાસ ઝડપથી થાય છે,’ એમ શિંદેએ કોલ્હાપુર એરપોર્ટનું ઉદાહરણ આપતા કહ્યું. તેમણે કહ્યું કે, અમે રાજારામ મહારાજ દ્વારા સ્થાપિત કોલ્હાપુર એરપોર્ટનું વિસ્તરણ કર્યું છે. તે હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે.

શિંદેએ એમ પણ કહ્યું હતું કે, અમરાવતી વિદર્ભમાં શિક્ષણનું કેન્દ્ર છે. અમરાવતીના લોકોએ માગણી કરી હતી કે અહીં હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવે. અમે તે માગણી પૂર્ણ કરી છે. હાલમાં મર્યાદિત ફ્લાઇટ્સ હોવા છતાં, માગણી વધતાં આ એરપોર્ટની ક્ષમતા અને ફ્લાઇટ્સમાં વધારો કરવામાં આવશે. આ એરપોર્ટ અમરાવતીના લોકો માટે ગેમ ચેન્જર બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button