ઘરેણાં, રોકડ રકમ સાથે ભ્રષ્ટાચારના પુરાવા પણ ગાયબ એકનાથ ખડસે કોની સામે આંગળી ચીંધી રહ્યા છે?

જળગાંવઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વરિષ્ઠ નેતા અને વિધાન સભ્ય એકનાથ ખડસેના જળગાંવ સ્થિત બંગલામાંથી મંગળવારે રોકડ રકમ અને સોના – ચાંદીની ચોરી થઈ હતી. દરમિયાન, ખડસેએ દાવો કર્યો છે કે ચોરોએ સોના-ચાંદી ઉપરાંત સીડી અને કેટલાક લોકોના ભ્રષ્ટાચારના પુરાવા ધરાવતા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ ચોરી લીધા છે. ખાતર પાડવા આવેલા ચોરો ચોક્કસ કયા હેતુ માટે આવ્યા હતા એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
ચોરીની ઘટના બાદ બંગલાના કબાટમાંથી અન્ય કઈ કઈ વસ્તુઓ ચોરાઈ છે એ ચકાસવા વિધાન સભ્ય ખડસેએ બારીકાઈથી નિરીક્ષણ કરતા તેમને જાણવા મળ્યું કે કબાટમાંથી કેટલીક મહત્વપૂર્ણ સીડી ગાયબ છે.
આપણ વાચો: ડ્રગ પાર્ટી કેસમાં એકનાથ ખડસેના જમાઇને કોર્ટે જામીન આપ્યા
સંવાદદાતાઓને આ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ચોરોએ ચોરેલી સીડી બહુ મહત્ત્વની નહોતી, પણ ઉપયોગી હતી. સોના, ચાંદી અને પૈસાની સાથે સીડીની ચોરી પાછળ કોઇનો હાથ છે કે કેમ એવો સવાલ કરવામાં આવતા ‘મારી પાસે પુરાવા છે અને હું તે જાતે જ પોલીસને આપીશ’ એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.
જળગાંવ શહેરમાં ખડસે પરિવારનો બંગલો છે. સમગ્ર ખડસે પરિવાર કોથળી (તાલુકા મુક્તાઈનગર)માં રહેતો હોવાથી જલગાંવમાં બંગલામાં વિશેષ આવનજાવન નથી હોતી.
આપણ વાચો: પુણેમાં પર પોલીસની રેઇડ: ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના જમાઇ સહિત સાતની ધરપકડ
જાળવણી માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ આ વ્યક્તિએ બંગલાના તમામ દરવાજા બંધ કર્યા બાદ ચોરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ખડસે અને તેમની પુત્રવધૂ રક્ષા ખડસેનો સામાન ફેંકી દીધો હતો અને લગભગ 68 ગ્રામ સોનું, 7.5 કિલો ચાંદી અને 35 હજાર રોકડા રૂપિયાની ચોરી કરી હતી.
મંગળવારે સવારે ચોરીની જાણ થઈ હતી. પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સબ ડિવિઝનલ પોલીસ અધિકારી નીતિન ગણપુરે જણાવ્યું હતું કે મુક્તાઈ બંગલાના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ ન હોવા છતાં, આસપાસના મકાનોના સીસીટીવી ફૂટેજ જોયા બાદ વધુ તપાસ ઝડપી કરવામાં આવી હતી.



