કોંકણથી પાછા ફરતા પ્રવાસીઓની હાલાકી, ટ્રેનો મોડી, ખાડાવાળા રસ્તાઓ પર ટ્રાફિકજામ
મુંબઈ: ગણેશોત્સવ માટે કોંકણ જનારા લોકો બાપ્પાને વિદાય આપીને ફરી પાછા મુંબઈ ફરી રહ્યા છે. તેથી કોંકણ માર્ગ પર વાહનોની ભીડ જામી રહી છે. ખચાખચ ભરાયેલી ટ્રેન, ખાડા ધરાવતા રસ્તાઓને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય રેલવે દ્વારા દોડાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેનો અંદાજે ચાર કલાક મોડી હોવાને કારણે સ્ટેશનો પર પ્રવાસીઓને નાછૂટકે રાહ જોવાનો વારો આવ્યો છે. બીજી તરફ ચિપલૂણમાં ટ્રાફિકની સમસ્યા પણ ગંભીર બની હોવાને કારણે પ્રવાસીઓના હાલ બેહાલ થઇ રહ્યા છે.
ટ્રેનો મોડી પડતી હોવાને કારણે પ્રવાસીઓ ફસાઇ રહ્યા છે. રત્નાગિરી જિલ્લાના ખેડ સ્ટેશનમાં પ્લેટફોર્મ પરના પ્રવાસીઓમાં ધક્કામુક્કી જેવી સ્થિતિ પણ સર્જાઇ હતી. પહેલાથી ટ્રેનો ખચાખચ ભરીને આવી હતી અને ટ્રેનમાં ઘૂસવા જતા દરવાજા બંધ હોવાથી ધમાલ થઇ હતી.
મુંબઈ તરફ આવનારી મંગલા એક્સ્પ્રેસના એન્જિન સામે ઊભા રહીને કેટલા પ્રવાસીઓએ ટ્રેનને રોકવાનો પ્રયાસ પણ કર્યો. કોંકણ ક્ધયા, ગણપતિ સ્પેશિયલ, તુતારી એક્સ્પ્રેસ વગેરે ટ્રેનો દ્વારા પ્રવાસીઓ મુંબઈ તરફ ફરી રહ્યા છે. ટ્રેનો મોડી હોવાને કારણે પ્રવાસીઓ હેરાન થઇ રહ્યા છે. ગણપતિ સ્પેશિયલ ચાર કલાક, તુતારી એક્સ્પ્રેસ દોઢ કલાક મોડી દોડી રહી છે. પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં લઇને રેલવે પ્રશાસન દ્વારા વધારાનો પોલીસ સ્ટાફ પણ તહેનાત કર્યો છે