મહારાષ્ટ્ર

દિશા સાલિયાન મૃત્યુ કેસ: કોઈપણ દોષી વ્યક્તિને છોડવામાં આવશે નહીં: પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજે દેસાઈએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં જવાબદાર કોઈ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશનના માધ્યમથી એવો સવાલ ઉપસ્તિત કરવામાં આવ્યો હતો કે શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે સામે શું પગલાં લેવામાં આવશે કેમ કે સાલિયાનના પિતા દ્વારા તેમની સીધી સંડોવણીનો દાવો કરવામાં આવ્યો છે.

ગાયકવાડે આદિત્ય ઠાકરેના વિધાનસભ્ય તરીકે રાજીનામાની માગણી કરતાં કહ્યું હતું કે જ્યારે રાજ્યના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સાથી પર સરપંચ સંતોષ દેશમુખની હત્યાના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ત્યારે મુંડેનું રાજીનામું માગવામાં આવ્યું હતું.

આપણ વાંચો: સુશાંત સિંહ મૃત્યુ કેસ: દિશા સાલિયાનના મોતનો કેસ ખૂલ્યો જ્યારે રિયા ચક્રવર્તીને મળી ક્લિન ચીટઃ જાણો વિગતવાર

સત્તાધારી વિધાનસભ્યો ગૃહના મધ્યભાગમાં ધસી ગયા હતા અને તેમણે શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ વખતે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જયંત પાટીલે સભ્યોને યાદ અપાવ્યું હતું કે ઈટાલિયન એમ્બેસીના અધિકારીઓ ગેસ્ટ ગેલેરીમાં બેઠા છે. થોડી ધમાલ બાદ ગૃહની કાર્યવાહી 10 મિનિટ માટે મોકૂફ રાખવામાં આવી હતી.

આપણ વાંચો: દિશા સાલિયાન કેસ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથે આપ્યું મહત્ત્વનું નિવેદન

ગૃહની બેઠક ફરી શરૂ થયા બાદ ગાયકવાડે આદિત્ય ઠાકરેની ધરપકડ કરવાની માગણી કરી હતી.
પ્રધાન શંભુરાજે દેસાઈએ રાજ્ય સરકાર વતી જવાબ આપતાં કહ્યું હતું કે દિશા સાલિયનના પિતાએ પોલીસને મળીને કેટલાક ગંભીર આરોપ કર્યા છે. નૈતિક આધાર પર રાજીનામું આપવું કે નહીં તે તેમનો અને તેમની પાર્ટીનો મુદ્દો છે.

મારે ફક્ત એટલું જ કહેવું છે કે કોઈપણ દોષી વ્યક્તિને છોડવામાં આવશે નહીં. સાલિયનના આક્ષેપો અંગે પોલીસ કમિશનર પાસેથી માહિતી મગાવવામાં આવશે અને તેને સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને સોંપી દેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button