ધનંજય મુંડે મળ્યા મુખ્ય પ્રધાન ફડણવીસને: મુલાકાતનું કારણ સ્પષ્ટ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના સંબંધમાં એનસીપી નેતા અને અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન ધનંજય મુંડેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે કારણ કે આ હત્યાકાંડના વિરોધમાં તમામ પક્ષોના નેતાઓએ શનિવારે બીડમાં એક ભવ્ય માર્ચ કાઢી હતી અને મહાયુતિ સરકાર ભારે દબાણમાં આવી ગઈ છે. જેના કારણે પ્રધાન તરીકે ધનંજય મુંડેનું પદ પણ જોખમમાં છે આવા સમયે જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ધનંજય મુંડેની મુલાકાત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
દેશમુખનું નવમી ડિસેમ્બરે અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણ આરોપીઓ હજી ફરાર છે. દેશમુખની હત્યા કેસ પાછળ વાલ્મિકી કરાડ મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. વાલ્મિકી કરાડ ધનંજય મુંડેના નજીકના હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે સીઆઈડીને સંતોષ દેશમુખ હત્યા કેસમાં ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો
દરમિયાન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરપંચ હત્યા કેસની ગંભીર નોંધ લેતા સીઆઈડીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ધનંજય મુંડેને મીટીંગમાં આમંત્રણ ન હોવા છતા તેઓ વિવિધ પાંચ વિભાગોના આગામી 100 દિવસના રોડ મેપની સમીક્ષા કરવા માટેની અધિકારીઓ સાથેની બેઠકમાં આવી જતાં ચર્ચાનું ચકડોળ ચાલ્યું છે.
આ બેઠક માત્ર સચિવો પુરતી મર્યાદિત હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગોના પ્રધાનો પણ હાજર રહ્યા નહોતા. આમ છતાં મુંડે આ બેઠકમાં પહોંચી ગયા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની એન્ટ્રીના થોડા સમય બાદ ધનંજય મુંડે પણ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પ્રવેશ્યા હોવાથી, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે બીડના મુદ્દે ચર્ચા થઈ હતી. તેથી આ કેસમાં આગળ શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે સંતોષ દેશમુખ અને સોમનાથ સૂર્યવંશીના પરિવારની મુલાકાત લેશે
આ પહેલાં ચાર દિવસ પહેલાં પણ મુંડે ફડણવીસને મળ્યા હતા અને સરપંચની હત્યાકેસના આરોપીને માટે મૃત્યુદંડની સજાની માગણી કરી હતી, પરંતુ રાજ્યમાં અત્યારે બીડના મુદ્દે ધનંજય મુંડે સામેનું વાતાવરણ છે અને તેમના રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે.
આ બધા વચ્ચે બીડમાં કરાડની ધરપકડની માગણી સાથે મૂક મોરચો પણ કાઢવામાં આવ્યો હતો.
ફડણવીસ અને મુંડે વચ્ચે શું વાત થઈ તેનો ખુલાસો બેમાંથી એકેય પક્ષે કર્યો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસમાં કોઈ મોટો નિર્ણય જોવા મળી શકે છે.