વાશીમમાં રખડતી ગાયનો મહિલાઓ પર હુમલો: શિંગડા પકડીને બચાવ્યા જીવ, જુઓ વીડિયો

કારંજા/વાશીમઃ રખડતા કૂતરાઓનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં રખડતી ગાય મહિલાઓ પર કોઈ ઉશ્કેરણી વગર હુમલો કરતી દેખાય છે. પ્રાણીઓના માલિકો દ્વારા પોતાના પશુઓને રખડતા મૂકી દેવાના કારણે આવા કિસ્સાઓમાં વધારો થતો જોઈ શકાય છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બે મહિલાઓ તેમના નાના બાળકો સાથે રસ્તા પર ચાલી રહી હતી. તે દરમિયાન સામેથી આવતી એક ગાયે અચાનક તેમના પર હુમલો કર્યો. ગાયના હુમલાથી ગભરાયેલી મહિલાએ હિંમત બતાવી અને તેના અણીદાર શિંગડા પકડીને પોતાને ઘાયલ થવાથી બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, બીજી મહિલાએ તેની સાથીને બચાવવા માટે ગાયની પૂંછડી પકડી લીધી હતી.
In Karanja city, Washim district, Maharashtra, a stray cow caused havoc near Amar Chowk in the Ram Temple area by launching a life-threatening attack on two women and their two school-going children. The incident, which occurred on 15 August 2025, was captured on CCTV cameras… pic.twitter.com/1W3AURNYfC
— NextMinute News (@nextminutenews7) August 16, 2025
મહિલાઓ લગભગ અડધી મિનિટ સુધી ગાય સાથે સંઘર્ષ કરતી રહી. નજીકમાં હાજર લોકો પણ ઘટનાસ્થળે પહોંચવા લાગ્યા, ત્યારે અચાનક ગાય ફરી ગઈ અને તેની પૂંછડી પકડી રહેલી મહિલા પર હુમલો કરવા દોડી ગઈ. આ પ્રયાસમાં ગાય મહિલાના નાના બાળક પર પડી. જોકે, બાળકને ગંભીર ઈજા થઈ નહોતી અને થોડીવાર પછી ગાય ત્યાંથી ભાગી ગઈ.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા સતત વધી રહી છે અને આવી ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે. આ ઘટના બાદ, વિસ્તારમાં ગભરાટનો માહોલ છે અને લોકો રખડતા ઢોરને કાબૂમાં લેવા માટે નગર પરિષદ વહીવટીતંત્ર પાસે માંગ કરી રહ્યા છે. દરમિયાન, ઘાયલ મહિલાને સામાન્ય ઇજાઓ થઈ છે અને બાળકો સુરક્ષિત હોવાનું કહેવાય છે.