આમચી મુંબઈમહારાષ્ટ્ર

એકનાથ શિંદે જૂથના મુંબઈના સાંસદને કોર્ટનું સમન્સ, નજીવા મતથી મળેલી જીતનો વિવાદ

મુંબઈઃ લોકસભાની 2024ની ચૂંટણી મહારાષ્ટ્ર અને મુંબઈ માટે રસપ્રદ હતી. ભાજપ, એનસીપી (અજિત પવાર) અને શિવસેના (શિંદેજૂથ)ની મહાયુતિને મુંબઈની છમાંથી માત્ર બે બેઠક પર વિજય મળ્યો હતો, હવે તેમાંથી એક બેઠક પર જોખમ તોળાઈ રહ્યું હોય તેમ જણાય છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના North-westના સાંસદ રવિન્દ્ર વાયકરને કોર્ટે સમન્સ પાઠવ્યા છે. વાયકરને મુશ્કેલીમાં મૂકનાર ઉદ્ધવ જૂથના શિવસેના નેતા અમોલ કીર્તિકર છે, જેમણે વાઈકરની જીતને રદ કરવાની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે.

લોકસભા ચૂંટણીમાં શિંદે જૂથના શિવસેનાના રવિન્દ્ર વાયકર મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી માત્ર 48 વોટથી જીત્યા હતા. આવી સ્થિતિમાં શિવસેના (UBT)ના નેતા અમોલ કીર્તિકરની ચૂંટણી અરજી પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના રવિન્દ્ર વાયકરને સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સંદીપ વી. માર્નેની સિંગલ બેંચ કરી રહી છે. બેન્ચે કહ્યું કે વાયકર અને અન્ય પ્રતિવાદીઓએ 2 સપ્ટેમ્બરે કોર્ટમાં કિર્તિકરે તેમની અરજીમાં કરેલા દાવાઓનો જવાબ આપવા માટે હાજર રહેવું પડશે.

અમોલ કીર્તિકર વાયકર સામે માત્ર 48 વોટથી હારી ગયા હતા. તેમણે ચૂંટણી પંચ (ECI)ના અધિકારીઓ પર પારદર્શિતાના અભાવ અને ક્ષતિઓનો આરોપ મૂક્યો છે અને દાવો કર્યો છે કે તેમને મતોની પુન:ગણતરી માટે અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ ફનલ ઝોનના વિસ્તારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત જાહેર કરો: સાંસદ ગાયકવાડ

શું છે અમોલના આક્ષેપો
અમોલ કીર્તિકરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચના અધિકારીઓએ મતગણતરી વિસ્તારની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી અને ત્યાં હાજર તેમના સમથર્કોને 333 મત આપવા દીધા હતા. બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં, કીર્તિકરે એમ પણ કહ્યું હતું કે તેમના કાઉન્ટિંગ એજન્ટોને રિટર્નિંગ ઓફિસરના ટેબલ પર બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

અમોલ કીર્તિકરની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને મતોની પુન:ગણતરી માટે અરજી કરવાની કોઈ વાજબી તક આપવામાં આવી ન હતી અને ત્યાર પછીની લેખિત વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. કીર્તિકરે વાયકરની ચૂંટણીને રદબાતલ જાહેર કરવા અને અરજદારને 18મી લોકસભા માટે યોગ્ય રીતે ચૂંટાયેલા જાહેર કરવા માટે કોર્ટ પાસેથી નિર્દેશ માંગ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button