મહારાષ્ટ્ર

પુણેમાં કાર અકસ્માત: લોહીના નમૂના સાથે ચેડાંના આરોપની તપાસ કરનારી સમિતિએ હોસ્પિટલની મુલાકાત લીધી

પુણે: પુણેના કલ્યાણી નગર જંકશન પર બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડનારા 17 વર્ષના ટીનેજરના લોહીના નમૂના સાથે ચેડાં કરવાના આરોપની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની સમિતિએ મંગળવારે સસૂન હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

લોહીના નમૂના બદલવા બદલ સોમવારે રાજ્ય સંચાલિત સસૂન હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડો. અજય તાવરે, ચીફ મેડિકલ ઓફિસર ડો. શ્રીહરિ હલનોર અને કર્મચારી અતુલ ઘાટકાંબળેની ધરપકડ કરવામાં આવી હતી. તેમની તપાસ કરવા માટે ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને જે. જે. ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડીન ડો. પલ્લવી સાપળે તપાસ સમિતિના પ્રમુખ છે. તેમણે કહ્યું હતું કે અમે નિયમ અનુસાર તપાસ કરીશું અને અહેવાલ સરકારને સુપરત કરાશે.

ઉલ્લેખનીય છે કે 19 મેએ મળસકે કલ્યાણી નગર જંકશન ખાતે રિયલ એસ્ટટ ડેવલપર વિશાલ અગ્રવાલના સગીર પુત્રએ પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટે લેતાં અનિશ અવધિયા અને અશ્ર્વિની કોસ્ટનું મૃત્યુ થયું હતું. બંને મધ્ય પ્રદેશના વતની હતાં.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના સમયે ટીનેજર દારૂના નશામાં હતો. દરમિયાન સોમવારે પોલીસે દાવો કર્યો હતો કે દારૂના લક્ષણ ન જણાય એ માટે ટીનેજરના લોહીના નમૂના બદલી નાખવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ અન્યના નમૂનાનો અહેવાલ મૂકી દેવાયો હતો. તપાસમાં આ વાત સામે આવ્યા બાદ બંને ડોક્ટરની ધરપકડ કરાઇ હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button