ક્યાંક પૈસા, તો ક્યાંક સોનું-ચાંદીઃ મહારાષ્ટ્રમાં આખી રાત કોમ્બિંગ ઓપરેશન, જાણો ક્યાં શું થયું?

જળગાંવમાં 29 લાખની રોકડ જપ્ત, વસઈ અને બોરીવલીમાં પૈસાની વહેંચણીના આરોપો સાથે રાજકીય ગરમાવો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે 15 જાન્યુઆરી ગુરુવારે મતદાન થવાનું છે. મતદાનની તારીખ નજીક આવતાની સાથે રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યના વિવિધ મતવિસ્તારોમાં નાણાંની વહેંચણીની શંકાને લઈને મુંબઈ, વસઈ અને ડોંબિવલીના રાજકીય પક્ષો એકબીજા સામે આવી ગયા છે. આ સંઘર્ષ લડાઈ અને હત્યાના સીધા પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં ફેરવાઈ ગયો છે.
ડોમ્બિવલીના વોર્ડ નંબર 29માં સૌથી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. ડોમ્બિવલીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને શિવસેનામાં એકનાથ શિંદે જૂથો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ ચાલી રહી છે ત્યારે પૈસાની વહેંચણીના આરોપોને લઈને બંને પક્ષોના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. જોતજોતામાં આ દલીલ મારામારીમાં ફેરવાઈ ગઈ, જેમાં 4 કાર્યકર્તા ઘાયલ થયા હતા.
ભાજપના ઉમેદવારના પતિ સોમનાથ નાટેકરની ફરિયાદના આધારે પોલીસે શિવસેનાના બે ઉમેદવારો સહિત પાંચ લોકો સામે કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો છે. મોડી રાત્રે પોલીસે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શિવસેનાના ઉમેદવારો નીતિન પાટિલ અને રવિ પાટિલની અટકાયત કરી હતી. આ કાર્યવાહી બાદ શિવસેનાના ધારાસભ્ય રાજેશ મોરેએ ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેને શાસનની દાદાગીરી ગણાવ્યું છે. નીતિન પાટીલના પત્ની રંજના પાટીલે ચેતવણી આપી છે કે જો તેના પતિને કંઈ થશે તો વહીવટીતંત્ર જવાબદાર રહેશે. હાલમાં, ડોમ્બિવલીમાં મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
જળગાંવમાં મોટી કાર્યવાહીઃ 29 લાખ જપ્ત
ચૂંટણી પંચની સ્ટેટિક સર્વે ટીમ (SST)એ જળગાંવના મમુરાબાદ નાકા વિસ્તારમાં નાકાબંધી દરમ્યાન એક કારમાંથી 29 લાખ રૂપિયાની રોકડ, 3 કિલો ચાંદી અને 8 તોલા સોનું જપ્ત કર્યું છે. કારમાં બેઠેલી વ્યક્તિએ આ માલ બહ-હાણપુરમાં એક સોનાની દુકાનના માલિક દામોદરદાસ ગોપાલદાસ શ્રોફનો હોવાનું જણાવ્યું હતું. જોકે, સ્થળ પર કોઈ સત્તાવાર દસ્તાવેજો કે રસીદો રજૂ કરવામાં નથી, તેથી પોલીસે આ બધી વસ્તુઓ જપ્ત કરી છે અને સરકારી તિજોરીમાં જમા કરાવી દીધી છે.
મધ્યરાત્રિએ વસઈ-વિરારના ગાંગડીપાડામાં અરાજકતા
વસઈ પૂર્વ વોર્ડ નંબર 19 ના વસઈ ફાટા અને ગાંગડીપાડા વિસ્તારમાં મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. બહુજન વિકાસ આઘાડી (BVA) અને MNS કાર્યકર્તાઓએ ભાજપ-શિવસેના ગઠબંધનના કાર્યકર્તાઓને બેગ સાથે પકડ્યા હોવાનો દાવો કર્યો હતો. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કાર્યકરોએ પોલીસ સાથે પણ દલીલ કરી હતી. જોકે, પેલ્હાર પોલીસે સ્પષ્ટતા કરી છે કે રાત્રિ દરમિયાન આવી કોઈ રોકડ રકમ જપ્ત કરવામાં આવી નથી.
બોરીવલીમાં મનસે અને ભાજપ વચ્ચે સંઘર્ષ
મુંબઈના બોરીવલી પૂર્વ વોર્ડ નંબર 14માં મનસેના કાર્યકરોએ આક્રમક થઈને ભાજપના કાર્યકરો પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો. મોડી રાત્રે મનસેના કાર્યકરોએ આ ફરિયાદ સાથે હોબાળો મચાવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ફરિયાદની નોંધ લેતા, પોલીસ હવે સીસીટીવી અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે.



