મોબાઈલ ફોન માટે સગીરે ટેકરી પરથી ઝંપલાવ્યું…

છત્રપતિ સંભાજીનગર: પોલીસ ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરી રહેલા 16 વર્ષના સગીરે વડીલોએ મોબાઈલ ફોન ખરીદી આપવાનો ઇનકાર કરતાં છત્રપતિ સંભાજીનગર શહેરમાંની એક ટેકરી પરથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ અથર્વ તાયડે તરીકે થઈ હતી. રવિવારે સાજાપુર વિસ્તારમાંથી પસાર થનારા બે જણે તાયડેને ટેકરીની તળેટીમાં બેભાન અવસ્થામાં જોયો હતો. બન્ને જણ તાયડેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પરિવારજનોએ મોબાઈલ આપવાનો ઇનકાર કરતાં તાયડેએ ટેકરી પરથી કૂદકો માર્યો હતો.
તાયડે બુલઢાણા જિલ્લાના જળગાંવ જામોદનો વતની હતો. જોકે હાલમાં તે સાજાપુરમાં રહેતો હતો. પોલીસ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)
આ પણ વાંચો…મોબાઈલ રિચાર્જ પરથી થયેલા વિવાદમાં ગ્રાહકની પીટાઈ