મહારાષ્ટ્ર

છત્રપતિ સંભાજીનગરમાં ઔદ્યોગિક એકમો માટે 8,000 એકર જમીન સંપાદિત કરવામાં આવશે: ફડણવીસ

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર સરકાર મરાઠવાડાના સૌથી મોટા શહેર છત્રપતિ સંભાજીનગરમાં નવા ઔદ્યોગિક એકમો માટે આશરે 8,000 એકર જમીન સંપાદિત કરશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કરી હતી.
ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર (સીએમઆઈએ) દ્વારા આયોજિત એક એવોર્ડ સમારંભમાં બોલતા ફડણવીસે કહ્યું હતું કે છત્રપતિ સંભાજીનગર દેશની ઈવી (ઇલેક્ટ્રિક વેહિકલ)ની રાજધાની તરીકે ઉભરી રહ્યું છે.

‘હવે મને લાગે છે કે આ વિકાસ યાત્રા અટકશે નહીં કારણ કે લોકો વધુ જમીનની માગણી કરી રહ્યા છે, જે અહીં ઓછી છે. નવા ઔદ્યોગિક એકમો માટે ટૂંક સમયમાં 8,000 એકર જમીન સંપાદિત કરવામાં આવશે. ઉદ્યોગો પણ અહીં આવવા માટે સકારાત્મક છે, એમ ફડણવીસે કહ્યું હતું.

આપણ વાંચો: છત્રપતિ સંભાજીનગરમાં લાઇટ બિલ નહીં ચૂકવતા ૭,૬૫૫ ગ્રાહકનો વીજ પુરવઠો કાપ્યો

શહેરના માળખાકીય વિકાસની ચર્ચા કરતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઔદ્યોગિક ઝોનને જોડવા માટે એક રિંગ રોડ બનાવવામાં આવશે. ‘શહેરમાં ટ્રાફિક ભીડ ઘટાડવા માટે એક લાંબો ફ્લાયઓવર પણ જરૂરી છે, અને સરકાર તેના માટે ભંડોળ એકત્ર કરશે,’ એમ તેમણે ઉમેર્યું હતું.

ફડણવીસે જણાવ્યું હતું કે સસ્તી વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવા માટે જાયકવાડી ડેમ બેકવોટર પર તરતા સૌર પ્રોજેક્ટ માટે પરવાનગી મેળવવામાં આવશે. ‘સરકાર અહીં પ્રદર્શન કેન્દ્ર માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ આપશે. જો કૌશલ્ય કેન્દ્ર માટે પાંચ એકર જમીનની જરૂર હોય, તો રાજ્ય સરકાર તે ઉપલબ્ધ કરાવશે,’ એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે તેમની સરકાર આ પ્રદેશને અસર કરતી દુષ્કાળની સમસ્યાને દૂર કરવા માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે, જેમાં ઓછામાં ઓછા 50 ટીએમસી પાણી જે સમુદ્રમાં વહી જાય છે તેને વાળવાની યોજનાનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: છત્રપતિ સંભાજીનગરમાં એસટી ભાડા વધારા સામે શિવસેના (યુબીટી)નું વિરોધ પ્રદર્શન

લાતુર અને કોલ્હાપુર જિલ્લામાં સમસ્યા ઊભી કરતા 80 ટીએમસી પૂરના પાણીને પણ દુષ્કાળને પહોંચી વળવા માટે અહીં વાળવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

મુંબઈ નજીક દહાણુમાં આગામી વાઢવણ બંદરને સમૃદ્ધિ એક્સપ્રેસ-વે સાથે જોડવાની યોજનાઓ વિશે બોલતા ફડણવીસે કહ્યું હતું કે, ‘નાસિકથી વાઢવણ બંદર સુધીનો 109 કિલોમીટરનો એક્સેસ-કંટ્રોલ્ડ રોડ બનાવવામાં આવશે, જે છત્રપતિ સંભાજીનગરથી બંદર સુધીના મુસાફરીના સમયમાં લગભગ 6-8 કલાકનો ઘટાડો કરશે.

સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી આ બંદરને વિશ્ર્વના ટોચના દસમાંથી એક તરીકે વિકસાવવાની કલ્પના કરવામાં આવી છે. તેનાથી છત્રપતિ સંભાજીનગરને પણ ફાયદો થશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button