કાર્યક્રમમાં રિવોલ્વર લઇ નાચવા બદલ ભાજપના પદાધિકારી સામે ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં બહેનના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાથમાં રિવોલ્વર લઇને નાચવા બદલ ભાજપના પદાધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કલ્યાણના ભાજપના ઓબીસી સેલના વાઇસ-પ્રેસિડન્ટ અને વેપારી ચિંતામણ લોખંડેનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોખંડે અને તેના ભાઇ સામે ગુનો દાખલ કર્યો હતો, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ડો. અમરનાથ વાઘમોડેએ જણાવ્યું હતું.
આપણ વાંચો: નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરમાંથી રિવોલ્વર ચોરી બાળકોએ ગોળીબાર કર્યો
પોલીસના જણાવ્યા મુજબ કલ્યાણના ઉંબરડે ગામમાં પોતાની બહેનનાં લગ્ન પહેલાના કાર્યક્રમમાં લોખંડેએ નાચતી વખતે રિવોલ્વર કાઢીને લહેરાવી હતી.
વીડિયોમાં લોખંડે એક ગીત પર નાચતો અને બાદમાં અચાનક રિવોલ્વર કાઢીને હવામાં લહેરાવતો નજરે પડતો હતો. લોખંડને રિવોલ્વર સાથે જઇને ત્યાં હાજર લોકો ચોંકી ઊઠ્યા હતા.
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે લોખંડે વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કયા બાદ તપાસ આદરી હતી. (પીટીઆઇ)