ગોંદિયામાં વહેલી સવારે કાર અકસ્માત: બેના કરુણ મોત, એક ઘાયલ

ગોંદિયા: મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં ચિચગઢ-દેવરી રોડ પર પરસ્ટોલા ગામ નજીક મંગળવારે સવારે લગભગ ૪.૩૦ વાગ્યે એક ઝડપી કાર ઝાડ સાથે અથડાતા બે લોકોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
ચિચગઢથી દેવરી તરફ આવી રહેલી કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને કાર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. દેવરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રાજા ભારતી (૩૫) અને સોહેલ શેખ (૩૨) નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પાછળ બેઠેલ ૨૫ વર્ષીય વ્યક્તિ પાછળની અને આગળની સીટ વચ્ચે ફસાઈ જવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
આપણ વાંચો: પુણે નજીક ટેમ્પો-કાર અથડાતાં આઠ જણનાં મોત
અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમણે ઘાયલ વ્યક્તિને કારમાંથી બહાર કાઢ્યો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દેવરી પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધ્યો છે.