મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર: ફડણવીસ-શિંદેના મતભેદ, પ્રધાનોના વિવાદ પર સરકારને ઘેરશે મહાવિકાસ આઘાડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું સોમવારથી ચાલુ થઈ રહેલું બજેટ સત્ર અધિવેશન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચેના મતભેદોના અહેવાલો વચ્ચે તોફાની બની રહે એવી શક્યતા જોવાઈ રહી છે. રાજ્યની વિપક્ષી મહાવિકાસ આઘાડી વિવાદમાં સપડાયેલા બે પ્રધાનો ધનંજય મુંડે અને માણિકરાવ કોકાટેના મુદ્દે રાજ્ય સરકારને ઘેરશે એવી શક્યતા છે.
આ સત્રમાં 2025-26ના વર્ષનું બજેટ 10 માર્ચે રજૂ કરશે. યોગાનુયોગે આ જ દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારના 100 દિવસ પૂરા થશે.
નવી સરકાર માટે આ પહેલું પૂર્ણસ્તરીય અધિવેશન હશે, કેમ કે નાગપુરમાં આયોજિત શિયાળુ સત્ર વખતે પ્રધાનોને શપથ લેવડાવવામાં આવ્યા નહોતા.
ફડણવીસે તાજેતરમાં જાલનામાં માન્યતા આપવામાં આવેલા 900 કરોડ રૂપિયાના ગૃહ નિર્માણ પ્રોજેક્ટની તપાસ શરૂ કરાવી છે. આવી જ રીતે સરકારે શિંદેની સરકારમાં મંજૂર કરવામાં આવેલા 1400 કરોડ રૂપિયાના સોલિડ વેસ્ટ કલેક્શન ટેન્ડરને પણ રદ કર્યું છે.
આપણ વાંચો: ત્રીજી માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર શરૂ થશે, આ તારીખે જાહેર થશે બજેટ
અહીં શિંદે દ્વારા ‘મને હળવાશથી લેશો નહીં’ વાળી જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને કારણે પણ રાજકારણમાં ગરમી આવેલી છે.
ફડણવીસે રાજ્યમાં 125માંથી 16 પીએસ-ઓએસડીની નિયુક્તિ માટેની ભલામણોને રદ કર્યા બાદ શિવસેના (યુબીટી)ના સંજય રાઉતે આગમાં ઘી નાખવાનું કામ કરતાં એવો આક્ષેપ કર્યો હતો કે જેમના નામ રદ કરવામાં આવ્યા છે તેમની ભલામણ ઓએસડી-પીએસ એકનાથ શિંદેના પ્રધાનો દ્વારા કરવામાં આવી હતી.
વિપક્ષી મહાવિકાસ આઘાડીનો નવેમ્બરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કારમો રકાસ થયો હોવા છતાં અત્યારે ભારે જોશમાં છે અને તેઓ રાજ્યના પ્રધાનો ધનંજય મુંડે અને કોકાટેના મુદ્દે સરકારને મુશ્કેલીમાં મૂકી શકે એવા એંધાણ જોવા મળી રહ્યા છે.
બીડ જિલ્લાના મસ્સેજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસ સાથે સંકળાયેલા ખંડણીના કેસમાં મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડની ધરપકડ બાદ વિપક્ષ તેમનું રાજીનામું માગી રહ્યું છે, જ્યારે નાશિક કોર્ટ દ્વારા છેતરપિંડી અને બનાવટના કેસમાં સજા આપવામાં આવ્યા બાદ કોકાટેનું પ્રધાનપદું સંકટમાં છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર વેડફાયું, કારણ કે ખાતા વગરના પ્રધાનો ચૂપ રહ્યા: વિપક્ષ…
મહાવિકાસ આઘાડી બંને પ્રધાનોના રાજીનામાં માટે સરકાર પર દબાણ લાવી રહ્યું છે. જોકે, રાજ્ય વિધાનસભામાં 288માંથી 230 સભ્યો ધરાવતી ફડણવીસની સરકાર મજબૂત સ્થિતિમાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં ગેરહાજર રહ્યા હતા અને સમાંતર બેઠકો ચલાવી રહ્યા હતા. મહત્ત્વની બાબત એ છે કે મહાયુતિના ત્રણેય મુખ્ય ઘટકપક્ષો દ્વારા પોતપોતાના પ્રકલ્પ અમલીકરણ એકમો બનાવવામાં આવ્યા છે.
વિપક્ષ પુણે બસમાં રેપ કેસને તેમ જ ફ્રેંચ કંપની સિસ્ટ્રા દ્વારા એમએમઆરડીએ દ્વારા સતામણી કરવામાં આવી હોવાના આક્ષેપોને મુદ્દે પણ રાજ્ય સરકારને ઘેેરશે એવુું લાગી રહ્યું છે.