અફૅરની શંકા પરથી ઝઘડો કરનારી પ્રેમિકાને મારી નાખી: પ્રેમીની ધરપકડ

પાલઘર: બીજી મહિલા સાથે અફૅરની શંકા પરથી ઝઘડો કરનારી પ્રેમિકાને માથા પર લાદી ફટકારી પ્રેમીએ પતાવી નાખી હોવાની ઘટના પાલઘર જિલ્લાના મનોર ખાતે બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
મનોર પોલીસે હાલોલી ખાતેના કાતકરી પાડામાં રહેતા આરોપી મૂકેશ મિર્ધા (32) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પરિણીત મૂકેશના ઘરેલુ વિવાદને લઈ પત્ની સાથે વારંવાર ઝઘડા થતા હતા. કંટાળીને પત્નીએ મૂકેશ સાથે છૂટાછેડા લીધા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર મૂકેશ અને નાલાસોપારાના સંતોષભવન પરિસરમાં રહેતી સપના વાકોડે (40) વચ્ચે પ્રેમસંબંધ હતો. જોકે મૂકેશને અન્ય મહિલા સાથે અફૅર હોવાની શંકા સપનાને હતી. આ મુદ્દે પૂછપરછ કરવા તે રવિવારની સાંજે 4.30 વાગ્યાની આસપાસ મૂકેશના મનોર ખાતેના ઘરે ગઈ હતી.
આપણ વાંચો: ટ્રાન્સજેન્ડરને ત્રાસ આપી હત્યાના કેસમાં ન્યૂયોર્ક પોલીસની મોટી કાર્યવાહી
કહેવાય છે કે અફૅરની વાતને લઈ મૂકેશ અને સપના વચ્ચે ઝઘડો થયો હતો. ગાળાગાળી પછી મૂકેશ મારપીટ પર ઊતરી આવ્યો હતો. ઘરની બહાર ઓટલા પર પડેલી લાદી ઉપાડીને મૂકેશે સપનાના માથા પર ફટકારી હતી. લોહીલુહાણ હાલતમાં સપના બેભાન થઈ જમીન પર ફસડાઈ પડી હતી. હુમલા પછી મૂકેશ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મૂકેશના પરિવારજનો જ સપનાને રિક્ષામાં ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.