ગર્ભવતી મહિલાને બચાવવા હેલિકોપ્ટરથી બ્લડ પહોંચાડ્યું, આ ઘટના ભારતની છે
ભારત દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે અને સામાન્યપણે એમ કહેવાય છે કે અહીં લોકોની જિંદગીની કોઇ કિંમત નથી, પણ આજે આપણે એક એવી ઘટના વિશે જાણીશું જેનાથી આ માન્યતા ભાંગીને ભૂક્કો થઇ જશે.
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લો આમ તો નક્સલ પ્રભાવિત વિસ્તાર ગણાય છે, પ, આ જિલ્લામાંથી એક એવા સમાચાર આવ્યા છે જે જાણીને આપણને ઘણી ખુશી થાય એમ છે. અહીં હેલિકોપ્ટર દ્વારા જરૂરી સહાય મોકલીને એક પ્રેગનેન્ટ મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ભામરાગઢ તાલુકામાં સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં સમગ્ર વિસ્તાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આવી સ્થિતિમાં અહીં એક ગર્ભવતી મહિલાની હાલત ગંભીર હતી, તેને બ્લડની જરૂર હતી. આ સમયે મહિલાનો જીવ બચાવવા માટે હેલિકોપ્ટર દ્વારા લોહી પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તબીબોએ મહિલાની સફળ ડિલીવરી કરી હતી.
આ પણ વાંચો : જીએનએસએસ છે? તો હવે કરજો મફત પ્રવાસ…
આ મામલો ગઢચિરોલીના ભામરાગઢ તાલુકાનો છે. અહીં પૂરમાંથી બહાર આવેલી એક ગર્ભવતી મહિલાની મેડિકલ ટીમે ડિલિવરી કરાવી હતી. મહિલાનું નામ મંતોષી ગજેન્દ્ર ચૌધરી (24) છે જે ભામરાગઢના અરેવાડા ખાતે રહે છે. તેને લેબર પેઇન શરૂ થયું હતું અને તેને ભામરાગઢની ગ્રામીણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને ડિલીવરીમાં એક યુનિટ લોહી ચઢાવ્યા બાદ વધુ લોહીની જરૂર હતી, પરંતુ પૂરના કારણે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. પારલકોટા નદી બે કાંઠે વહી રહી હતી.
દરમિયાન મહિલા માટે એકાદ લોહીની બોટલ તો મળી હતી, પરંતુ એટલી બોટલ પૂરતી નહોતી. મહિલાની હાલત ગંભીર બની રહી હતી. આવી સ્થિતિમાં વરસાદ બંધ થયા બાદ મહિલાને સવારે હેલિકોપ્ટર દ્વારા તાકીદે લોહી પહોંચાડવામાં આવ્યું હતું. આરોગ્ય તંત્રએ તત્પરતા દાખવી પૂર સામે લડત આપી હતી. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના જવાનોએ ડોક્ટરોને મદદ કરી હતી અને મહિલાની ડિલીવરી સુરક્ષીત રીતે પાર પડી હતી.
મંતોષીનું બ્લડ ગ્રુપ બી-નેગેટિવ છે જે ઘણું જ રેર છે. આ ઘટનામાં આરોગ્ય અને પોલીસ વિભાગે તત્પરતા અને સંકલનથી ફરી એકવાર માનવતાનો દાખલો બેસાડ્યો છે. હાલમાં મંતોષી અને તેના નવજાત બાળકની હાલત સ્થિર છે.
આવી ઘટનાઓની નોંધ લેવાવી જોઇએ અને તેની પ્રશંસા પણ થવી જોઇએ તો જ લોકોની જાનની અહીં કોઇ કિંમત નથી, જેવી માન્યતા બદલાશે.