સત્તાના દુરુપયોગની કિંમત ભાજપે ચૂકવવી પડશે: શરદ પવાર
પુણેઃ લીકર કેસમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી દેશભરમાંથી તેના અંગે પ્રતિક્રિયા મળી છે. મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (એનસીપી)ના વડા શરદ પવારે શુક્રવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી ખાતે પત્રકારો સાથે વાત કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડની નિંદા કરતા કહ્યું હતું કે ભાજપને “સત્તાના દુરુપયોગની કિંમત ચૂકવવી પડશે.
શરદ પવારે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે લોકો ચૂંટણીમાં તેમની સામૂહિક શક્તિ બતાવશે. કેજરીવાલની ધરપકડનો ઉલ્લેખ કરતા પવારએ કહ્યું કે વિપક્ષના અવાજને દબાવવા માટે ફેડરલ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
એનસીપી (એસપી)ના વડાએ કહ્યું હતું કે કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ખાતાઓ ફ્રીઝ કરવામાં આવતાં ચૂંટણી પ્રચાર માટે તેમના નાણાકીય વ્યવસ્થાપનને ફટકો પડ્યો છે.
આપણ વાંચો: લીકર કેસઃ કેજરીવાલના ઘરે EDનું સર્ચ ઓપરેશન, ‘અટક’ની લટકતી તલવાર
તે દર્શાવે છે કે સૌથી જૂની પાર્ટીને ચૂંટણી માટે તેના સંસાધનોનો ઉપયોગ કરવાથી રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી આત્યંતિક કાર્યવાહી ભૂતકાળમાં ક્યારેય કરવામાં આવી નથી.
ઇડી જેવી કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ રાજ્યોના કેટલાક મુખ્ય નેતાઓ સામે કાર્યવાહી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેઓએ આદિવાસી વર્ગના હેમંત સોરેન (ઝારખંડના ભૂતપૂર્વ સીએમ)ની ધરપકડ કરી. હવે, અરવિંદ કેજરીવાલની (દિલ્હી) દારૂ નીતિ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
આપણ વાંચો: લીકર કેસમાં સંજય સિંહ અને સિસોદિયાને કોર્ટે રાહત આપી નહીંઃ ચૂંટણી ટાણે ‘આપ’ને ફટકો
રાજ્ય માટે નીતિઓ ઘડવાનો અધિકાર દિલ્હી સરકારની રાજ્ય કેબિનેટ નો છે અને તે મુજબ દારૂની નીતિ નક્કી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે નીતિને લઈને મુખ્યમંત્રી અને તેમના સાથીઓની ધરપકડ કરવી ખોટું છે. આજે ભાજપ એટલી હદે પહોંચી ગયો છે કે સત્તાનો દુરુપયોગ કરીને મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે.
ચૂંટણીમુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં થવી જોઈએ તેવી અપેક્ષા હોવા છતાં, હવે ચિંતાનો માહોલ છે, એમ તેમણે જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા સામેની કાર્યવાહી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પર પ્રત્યાઘાત પાડશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પવારે કહ્યું હતું કે સો ટકા, તેમને કિંમત ચૂકવવી પડશે. તેઓ ત્રણ વખત સીએમ બન્યા છે. તેમને સાર્વજનિક સમર્થન મળે છે.