ભૈયાજી જોશીની મરાઠી ભાષા પર સ્પષ્ટતા, ‘મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું’
મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતાઓએ આરએસએસના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીના નિવેદન પર મોરચો ખોલ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આરએસએસના નેતા ભૈયાજી જોશી દ્વારા મરાઠી ભાષા પર આપેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. દરમિયાન ભૈયાજી જોશીએ ગુરવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, ગઈકાલે (બુધવારે) ઘાટકોપર મુંબઈમાં આપેલા તેમના નિવેદન અંગે ગેરસમજ ફેલાવવામાં આવી હતી. મરાઠી મહારાષ્ટ્રની ભાષા નથી તેવો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. દરેક રાજ્યની પોતાની ઓળખ હોય છે.
મને મરાઠી ભાષા પ્રત્યે આદર છે: જોશી
ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, ‘ભારત વિવિધ ભાષાઓમાં વહેંચાયેલું છે, પરંતુ મહારાષ્ટ્રમાં આવતા લોકો પાસેથી મરાઠી શીખવાની અપેક્ષા રાખવામાં આવે છે. હું પોતે મરાઠી ભાષી છું. મરાઠી મારી પણ માતૃભાષા છે. હું મરાઠી ભાષાનો આદર કરું છું. મરાઠી ભાષા ગર્વ અને સન્માનની ભાષા છે. મારા નિવેદન પર અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે તે અંગે હું કશું કહેવા માગતો નથી. તે મારો વિષય નથી.’
આપણ વાંચો: Rahul Gandhi એ કેન્દ્ર સરકાર અને આરએસએસ પર કર્યા પ્રહાર, કહી આ વાત
શું છે આખો મામલો?
બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિએ મરાઠી શીખવું જરૂરી નથી.’ આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે.
ભૈૈયાજી જોશીએ એમ કહ્યું હતું કે મુંબઈમાં દરેક ભાષાના લોકોની વસ્તી છે અને અનેક ભાષા બોલનારા લોકો મુંબઈમાં સંપથી રહે છે. મુંબઈની કોઈ એક ભાષા નથી. દરેક વિસ્તારની અલગ ભાષા છે. ઘાટકોપરની ભાષા ગુજરાતી છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
આ નિવેદનનો મામલો મહારાષ્ટ્ર વિધાનસભા સુધી પહોંચ્યો હતો. આરએસએસ નેતાના નિવેદન પર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં કહ્યું હતું કે, મુંબઈ અને સમગ્ર રાજ્યની ભાષા મરાઠી છે.
આપણ વાંચો: આરએસએસનું ભાજપ અને સહયોગી સંગઠનો સાથે બે દિવસનું વિચારમંથન સત્ર
મરાઠી રાજ્યની સંસ્કૃતિ અને ઓળખનો એક ભાગ છે અને મરાઠી શીખવું એ બધા નાગરિકોની ફરજ છે.’ મુખ્ય પ્રધાનના આ નિવેદન પછી વિધાનસભામાં શિવસેના (યુબીટી) અને ભાજપના વિધાનસભ્યો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે ગૃહની કાર્યવાહી પાંચ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી.
ભૈયાજી જોશી સામે રાજદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ: ઉદ્ધવ
આ દરમિયાન શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મોરચો ખોલ્યો અને કહ્યું કે ભૈયાજી જોશી સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ. મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓ હુતાત્મા ચોક પહોંચ્યા હતા અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
955માં મુંબઈને મહારાષ્ટ્રમાં સમાવવા માટે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ થઈ હતી. આ આંદોલનમાં લગભગ 106 લોકો શહીદ થયા હતા. આ શહીદોની યાદમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે.
આપણ વાંચો: મનમોહન સિંહના યોગદાનને ભારત હંમેશા યાદ રાખશે: આરએસએસ
આ સહન નહીં કરાય: આવ્હાડ
શરદ પવાર જૂથના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ આ મુદ્દે ભૈયાજી જોશી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, હવે એવું લાગે છે કે મુંબઈમાં ફક્ત ‘કેમ છો, કેમ છો’ જ સંભળાશે. આ નિવેદન મુંબઈને ભાષાકીય આધારે વિભાજીત કરવાનો પ્રયાસ છે, જેને સહન કરવામાં આવશે નહીં.
આદિત્ય ઠાકરે પર પણ નિશાન સાધ્યું
શિવસેના (યુબીટી) ના નેતા આદિત્ય ઠાકરેએ આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, મરાઠી મુંબઈ અને મહારાષ્ટ્રની પ્રથમ ભાષા છે. જેમ તમિલનાડુમાં તમિલ ભાષાનું મહત્વ છે. મરાઠી આપણી સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે. ઘાટકોપરને ગુજરાતી બહુમતી ધરાવતો વિસ્તાર કહેવું અસ્વીકાર્ય છે. મુંબઈની ભાષા મરાઠી છે અને રહેશે.
રાજ ઠાકરેએ કરી ટીકા
આરએસએસના માજી સરકાર્યવાહ ભૈયાજી જોશી દ્વારા મુંબઈમાં રહેનારા બધાને મરાઠી આવડવું જ જોઈએ એવી આવશ્યકતા નથી એવું નિવેદન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્ર માટે અને મરાઠી માટે આવા નિવેદન કરવા પાછળ શું કારણ છે? ભૈયાજી જોશીએ આવા નિવેદન બેંગલુરુ અથવા ચેન્નઈમાં કરી દેખાડવું.
મારો ભાજપને સવાલ છે કે તેમના નિવેદન સાથે ભાજપ સહમત છે? વાસ્તવમાં એમએમઆરમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, તેના પરથી આ નિવેદન પાછળનો હેતુ ન સમજી શકે એટલી મહારાષ્ટ્રની જનતા નાદાન નથી.
કૉંગ્રેસની ટીકા
આરએસએસ અને ભાજપને કાયમ મુંબઈ પ્રત્યે દ્વેષભાવના છે અને મુંબઈ અને મરાઠીનું મહત્ત્વ સતત ઓછું કરવા માટે તેઓ પ્રયત્નશીલ હોય છે. સંઘના ભૈયાજી જોશી દ્વારા મુંબઈ અને મરાઠી ભાષા અંગે જે નિવેદન કરવામાં આવ્યું છે તે ઈરાદાપુર્વક કરવામાં આવ્યું છે અને મુંબઈ તેમ જ મરાઠી ભાષાનું અપમાન છે. ભૈયાજી જોશીએ જાહેરમાં માફી માગવી એવી માગણી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવક્તા અતુલ લોંઢેએ કરી છે.