નાગપુરમાં નેશનલ હાઈવે ખાલી કરો: બચ્ચુ કડુ અને સમર્થકોને હાઈકોર્ટનો આદેશ

નાગપુર: બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે બુધવારે પ્રહાર જનશક્તિ પક્ષના નેતા બચ્ચુ કડુ અને તેમના સમર્થકોને શહેરની બહાર વર્ધા રોડ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. અહીં તેઓ સંપૂર્ણ કૃષિ લોન માફીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ઓમ પ્રકાશ ઉર્ફે બચ્ચુ કડુની આગેવાની હેઠળ હજારો દેખાવકારો ‘મહા એલ્ગાર મોરચા’માં ભાગ લઈ રહ્યા છે.
હાઈકોર્ટે આંદોલનને કારણે નેશનલ હાઈવે 44 (સામાન્ય રીતે વર્ધા રોડ તરીકે ઓળખાય છે) પર ટ્રાફિક ભીડને કારણે લોકોને ભારે અસુવિધા પહોંચાડવા અંગેના અખબારોના અહેવાલોની સુઓમોટો (અદાલતે પોતે) નોંધ લીધી હતી.
અખબારોના અહેવાલોને ટાંકીને ન્યાયમૂર્તિ રજનીશ વ્યાસે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનને કારણે 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો છે અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસના વાહનો પણ આગળ નથી વધી શકતા. નાગપુર એરપોર્ટ તેમજ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચવા માટે હાઈવેનો ઉપયોગ કરવામાં આવે છે.
સુનાવણી દરમિયાન સરકારનું પ્રતિનિધિત્વ એડવોકેટ દેવેન્દ્ર ચૌહાણે કર્યું હતું. આગામી સુનાવણી 6 નવેમ્બરે થશે. અમરાવતી જિલ્લાના ચંદુરબજારથી સોમવારે શરૂ થયેલી ટ્રેક્ટર રેલીનું નેતૃત્વ કડુ કરી રહ્યા છે.



